કોરોનાની બીજી લહેર ૧૧થી ૧૫ મે વચ્ચે પીક ઉપર પહોંચી શકે છે

300

(સંપૂર્ણ સમાચાર સેવા) નવી દિલ્હી, તા. ૨૨
ભારતમાં જે ગતિથી કોરોનાના કેસ વધી રહ્યા છે તે હજુ પણ આગામી ૨૦ જેટલા દિવસો સુધી વધતા રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. વૈજ્ઞાનિકો દ્વારા ગણતરી કરવામાં આવી રહી છે કે ભારતમાં ચાલતી કોરોના મહામારીની બીજી લહેર ૧૧થી ૧૫ મે દરમિયાન પીક પર પહોંચી શકે છે, અને આ દરમિયાન એક્ટિવ કેસનો આંકડો ૩૩-૩૫ લાખ પર પહોંચી જશે.
ફેબ્રુઆરીના મધ્યથી જે રીતે કોરોનાના નવા કેસની સામે સાજા થનારા દર્દીઓનો આંકડો નીચો રહ્યો છે તેના કારણે એક્ટિવ કેસની સંખ્યામાં મોટો વધારો થઈ રહ્યો છે. ફેબ્રુઆરીની શરુઆતમાં જે એક્ટિવ કેસ ૧ લાખની અંદર પહોંચવાની તૈયારીમાં હતા તે હાલ ૨૩ લાખની (૨૨,૯૧,૪૨૮) નજીક પહોંચી ગયા છે. એક સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કે હજુ દેશમાં આગામી ત્રણ અઠવાડિયા જેટલો સમય એક્ટિવ કેસની સંખ્યામાં સતત વધારો થતો રહેશે. જો હાલ જે સ્થિતિ છે તે પ્રમાણે પણ આગળના સમયમાં દેખાઈ તો મેના મધ્યમાં તે પહેલી લહેર દરમિયાન ૧૭ સપ્ટેમ્બરે એક્ટિવ કેસ ૧૦ લાખ પર પહોંચ્યા હતા હતા તેનાથી ત્રણ ગણા વધુ હશે.જે રીતે કેસ વધી રહ્યા છે તેને જોતા આગામી સમય માટે નવી પોલિસી સાથે તૈયાર રહેવું પડશે, જેમાં મેડિકલ સપ્લાય અને સુવિધાઓ પણ વધારવી પડશે. હાલની સ્થિતિ પ્રમાણે દિલ્હી, હરિયાણા, રાજસ્થાન અને તેલંગાણા ૨૫-૩૦ એપ્રિલ દરમિયાન નવા કેસના રેકોર્ડ નોંધાવતા રહેશે. જ્યારે ઓડિશા, કર્ણાટકા અને પશ્ચિમ બંગાળમાં ૧-૫ મે દરમિયાન વધુ કેસ જોવા મળી શકે છે, જ્યારે તામિલનાડુ અને આંધ્રપ્રદેશમાં ૬થી ૧૦ મે દરમિયાન ભારે ઉછાળો જોવા મળી શકે છે.
આ સિવાય મહારાષ્ટ્ર અને છત્તીસગઢ પોતાના પીક લેવલ પર પહોંચી ગયા હોય તેવી સ્થિતિ છે જ્યારે બિહાર ૨૫ એપ્રિલની આસપાસ પીક પર પહોંચી શકે છે.
આઈઆઈટી કાનપુરના મનિંદર અગ્રવાલે નેશનલ ’સુપર મૉડલ’ ઈનિસ્યેટિવ મુદ્દે જણાવ્યું કે, અમારા મૉડલ પ્રમાણે નવા કેસમાં આવતા ઉછાળા પર રોજ અભ્યાસ કરવામાં આવે છે, અભ્યાસ મુજબ સંભાવના વ્યક્ત કરાઈ રહી છે કે ૧થી ૫ મે દરમિયાન રોજના ૩.૩થી ૩.૫ લાખ નવા કેસ આવી શકે છે. જેના ૧૦ દિવસ પછી એટલે કે ૧૧થી ૧૫ મે વખતે એક્ટિવ કેસનો આંકડો ૩૩-૩૫ લાખ પર પહોંચી શકે છે. જે પ્રમાણે મધ્યપ્રદેશ, ગુજરાત, કેરળ અને ગોવામાં કેસની સંખ્યા વધી રહી છે તેમને પણ ટ્રેક કરવામાં આવશે, આ રાજ્યોને કવર કરવામાં નથી આવ્યા એટલે તેમના માટે થોડા દિવસ રાહ જોવી પડશે.
આગળ મનિંનદર અગ્રવાલે જણાવ્યું કે, જે અનુમાન કરાઈ રહ્યા છે તેના આધારે જરુરી કામગીરી (હોસ્પિટલમાં પથારીઓ, આઈસીયુ, મેડિકલ માટે જરુરી ઓક્સિજન વગેરે) આગામી એક મહિનામાં કે બને તેટલું જલદી કરવાની જરુર છે. આ આગાહી ખોટી પડવાની પણ સંભાવના છે પરંતુ આ કપરા સમયમાં આ પ્રકારની આગાહીના આધારે જ તૈયારીઓ કરવી પડતી હોય છે.

Previous articleદેશમાં ૨૪ કલાકમાં ૩.૧૬ લાખ લોકો કોરોનાથી સંક્રમિત થયા
Next articleબંગાળની ચૂંટણીમાં ૩ સ્થળે બોંબથી હુમલા, એકનું મોત