સમગ્ર દેશ, રાજ્ય અને ભાવનગર શહેર જિલ્લામાં છેલ્લા એક માસથી કોરોના મહામારીએ અજગરી ભરડો લીધો છે. દિન પ્રતિદિન પોઝીટીવ કેસો વધી રહ્યા છે. આવા દર્દીઓને સાજા થવા માટે શક્તિ વર્ધક પ્રવાહી કે ખોરાકની ડોક્ટરો દ્વારા સલાહ આપવામાં આવે છે ત્યારે આવા ઇમ્યુનિટી બુસ્ટર આપતા સંતરા, લિલા નાળિયેર અને લીંબુ સહિતનો ભાવ હાલ આસમાને પહોંચી જવા પામ્યો છે. એક મહિના પહેલા રૂા. ૧૫ના કિલો લેખે વેચાતા સંતરાના દસ કિલોના કોથળાનો ભાવ અત્યારે રૂા. ૧૦૦૦ થી ૧૨૦૦ લેવાઇ રહ્યા છે. ઉપરાંત ૫૦ ના કિલો વેચાતા લીંબુ હાલ રૂા. ૨૦૦ સુધી પહોંચી જવા પામ્યા છે. લીલા નાળિયેર કે જે ૧૫ કે ૨૦ રૂપિયામાં એક નંગ મળતા તેના હાલમાં ૮૦ થી ૧૦૦ રૂપિયા લેવાઇ રહ્યા છે. આમ, કોરોના મહામારીમાં લોકો આર્થિક રીતે લૂંટાઇ રહ્યા છે અને વેપારીઓ પણ કોઇપણ જાતનો ડર રાખ્યા વિના લોકોને લૂંટી રહ્યા છે. જ્યારે લેનારા લોકો મજબૂરીમાં તગડો ભાવ ચુકવીને પણ વસ્તુઓ લઇ રહ્યા છે.