ભાવનગરની સર ટી હોસ્પિટલ સહીત ખાનગી હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધતી જતી હોય સર ટી. હોસ્પિટલમાં હાલમાં વેન્ટીલેટર વાળા બેડ ફુલ થઇ જવા પામ્યા છે. સર ટી. હોસ્પિટલમાં કુલ ૭૫ વેન્ટિલેટર છે અને તમામ કાર્યરત છે. કોરોનાના દ્વિતિય ચક્રમાં દર્દીઓની સ્થિતિ જડપથી બગડી રહી છે, અને સરેરાશ તમામ દર્દીઓને ઓક્સિજનની જરૂર પડે છે. ઓક્સિજન લેવલ દર્દીનું ડાઉન થવા લાગે તો તેઓને અંતિમ ઉપાય પેટે વેન્ટિલેટર પર શિફ્ટ કરવા પડે છે. પરંતુ હાલ ભાવનગરમાં ખાનગી અને સરકારી એમ તમામ હોસ્પિટલોમાં વેન્ટિલેટર વાળા બેડ ઉપલબ્ધ નથી. જે દર્દીઓની ઓક્સિજન પર ખરાબ હાલત થવા લાગે છે તેઓને પણ વેન્ટિલેટર વાળુ બેડ ક્યારે મળશે તેના માટે ખૂબ પ્રતિક્ષા કરવી પડી રહી છે.દર્દીઓના સગાને બેરિકેડની બહાર રાખવામાં આવે છે, વ્યવસ્થાના ભાગરૂપે આ સ્વિકાર્ય પણ છે. પરંતુ સારવાર લઇ રહેલા દર્દીઓની હાલત કેવી છે, તેની શું સારવાર ચાલે છે તેવી માહિતીઓ દર્દીના સગાને પુરી પાડવામાં તંત્રના સંકલનમાં ક્યાંકને ક્યાંક ખામી સર્જાઇ રહી છે. બેરિકેડની બહાર ઉનાળાના ધોમધખતા તડકામાં દર્દીના સગાઓ ટળવળે છે. દર્દીઓના સગા માટે પણ હંગામી ડોમ નાંખી છાંયડો કરી આપવાની, પીવાના પાણીની સગવડતા કરવી જરૂરી છે.