ગ્રીષ્મ ઋતુ ની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે ઉનાળાનું અમૃત ફળ તરીકે ગણના થતી કેરી નું ભાવનગર શહેર માં આગમન થઈ ચૂક્યું છે આવકનાં પ્રારંભમાં સૌથી વધુ કેરીની આવક તળાજા તાલુકાના સોસિયા ગામ તથા આસપાસના ગામડાઓમાંથી થઈ રહી છે.આબાલ-વૃદ્ધ સૌ કોઈનું પ્રિય ફળ એટલે કેરી દર વર્ષે એપ્રિલના પ્રથમ સપ્તાહથી કેરીનું માર્કેટમાં આગમન થતું હોય છે આ વર્ષે પણ કેરીનું સમયસર આગમન ભાવનગરમાં થઈ ગયું છે. જોકે દેશ કે પ્રાંતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ જેની લોકપ્રિયતા અકબંધ છે એવી ગીરની કેસર કેરીને ભાવનગર ની બજારમાં પહોંચતા હજું પંદર દિવસ જેટલો સમય લાગશે તેવું વેપારીઓ જણાવી રહ્યાં છે. હાલમાં ભાવનગર શહેરમાં આવેલ બે મુખ્ય બજાર જેમાં ગંગાજળીયા તળાવ સ્થિત ફ્રુટ બજાર તથા મહારાજા કૃષ્ણકુમારસિંહજી ખેત ઉત્પન્ન બજાર માર્કેટિંગ યાર્ડ ખાતે કાચી કેરી વેચાણ માટે ખેડૂતો લાવી રહ્યા છે હાલમાં સૌથી વધુ આવક તળાજા તાલુકાના સોસિયા ગામની પ્રખ્યાત કેરીની સૌથી વધુ હોવાનું જાણવા મળ્યું છે તદ્દ ઉપરાંત જેસર,મહુવા અને પાલિતાણા તાલુકાના કેટલાક ગામડાઓમાં થી કેસર કેરી આવી રહી છે.ભાવનગરમાં આશરે એક દાયકાથી સોસિયાની કેસર લોકપ્રિય બની રહી છે, ગીરની કેસર કેરીની તુલનાએ સોસિયાની કેસર કેરીનું દળ થોડું વધુ ભરાવદાર હોવા સાથે સ્વાદમાં પણ થોડો ફકૅ હોય છે. કેસર કેરી કરતાં પણ જે જુની છે અને વડીલો જેના વખાણ કરતાં થાકતા નથી એવી મહુવાની જમાદાર કેરીની તુલનાએ કોઈ અન્ય કેરી ન આવી શકે પરંતુ આ કેરી મહુવા તાલુકામાં બગીચાઓ નષ્ટ થઈ જતાં અને વિષમ આબોહવા ના કારણે નામશેષ થયેલી જમાદાર કેરી ને કેટલાક પ્રગતિશીલ ખેડૂતો એ ફરી ડેવલપ કરી છે અને છેલ્લા બે વર્ષ થી મહુવા, તળાજા ની બજારમાં જમાદાર કેરી જોવા મળી રહી છે આથી આવનારા સમયમાં જમાદાર ફરી પોતાનો લોકપ્રિય વગૅ અકબંધ કરે એવી પૂરેપૂરી શકયતા છે.ભાવનગર બજારમાં કાચી કેરી નો ભાવ ૮૦ થી લઈ ને ૨૫૦ પ્રતિ કિલો ના દરે વેચાઈ રહી છે તો સારી એક નંબર ની પાકી કેસર ૨૫૦ થી લઈ ને ૪૦૦ સુધી વેચાણ થતું હોવાનું વેપારીઓ જણાવી રહ્યાં છે. કેરી વેચાણ કરતાં ખેડૂતો ના જણાવ્યા અનુસાર આ વખતે ગત વર્ષની તુલનાએ પાક ઓછો છે આથી સિઝન લાંબી નહીં ચાલે પરંતુ માવઠા નો ખતરો તોળાઈ રહ્યો હોય આથી ખેડૂતો ફાલમા દળ ભરાતાં ની સાથે કેરી વહેલી બજારમાં લાવી રહ્યા છે.