(સંપૂર્ણ સમાચાર સેવા) નવી દિલ્હી, તા.૨૪
રાજધાની દિલ્હીમાં કોરોનાના સતત વધતા કેસ વચ્ચે સર્જાયેલી ઓક્સિજનની ગંભીર અછતની દિલ્હી હાઈકોર્ટે ગંભીર નોંધ લીધી છે. કોર્ટે શનિવારે જણાવ્યું હતું કે જો કેન્દ્ર કે રાજ્ય સરકાર કે પછી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાનો કોઈપણ અધિકારી ઓક્સિજનનો સપ્લાય રોકશે તો તેને લટકાવી દેવામાં આવશે. જસ્ટિસ વિપિન સાંઘી અને રેખા પાલ્લીની બેન્ચે દિલ્હીની મહારાજા અગ્રસેન હોસ્ટિપલ દ્વારા કોરોનાના ગંભીર દર્દીઓ માટે પૂરતો ઓક્સિજન ના હોવા અંગે કરેલી પિટિશન પર સુનાવણી કરતા આવી આકરી પ્રતિક્રિયા આપી હતી.
કોર્ટે દિલ્હી સરકારને એવા વ્યક્તિનું નામ જણાવવા કહ્યું હતું કે જે ઓક્સિજનનો સપ્લાય રોકી રહ્યો હોય. કોર્ટે જણાવ્યું હતું કે તે કોઈપણને છોડશે નહીં, અને ઓક્સિજન સપ્લાયને અવરોધનારાને લટકાવી દેવાશે. કોર્ટે દિલ્હી સરકારને આ અંગે કેન્દ્ર સરકારને પણ જાણ કરવા કહ્યું હતું, જેથી આવા અધિકારીઓ સામે એક્શન લઈ શકાય.
કોર્ટે કેન્દ્ર સરકારને એ સવાલ પણ કર્યો હતો કે દિલ્હી માટે જરુરી ૪૮૦ મેટ્રિક ટન ઓક્સિજનનો દૈનિક જથ્થો ક્યારે આવવાનો છે? કોર્ટે કહ્યું હતું કે કેન્દ્ર સરકારે ૨૧ એપ્રિલના રોજ તેને ખાતરી આપી હતી કે દિલ્હીને રોજનો ૪૮૦ મેટ્રિક ટન ઓક્સિજન મળી રહેશે. પરંતુ આ મામલે કોઈ પ્રગતિ થઈ છે ખરી?
બીજી તરફ, દિલ્હી સરકારે જણાવ્યું હતું કે તેને ૪૮૦ મેટ્રિક ટનની જરુરિયાત સામે રોજનો માત્ર ૩૮૦ મેટ્રિક ટન ઓક્સિજન મળે છે. તેમાંય શુક્રવારે તો માંડ ૩૦૦ મેટ્રિક ટનનો જ જથ્થો આવ્યો હતો. દિલ્હીમાં સતત વધતા કેસોની ગંભીર નોંધ લેતા કોર્ટે એમ પણ કહ્યું હતું કે, આ કોરોનાની બીજી વેવ નહીં પરંતુ સુનામી છે. ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં શુક્રવારે ૩૪૮ કોરોના પેશન્ટના મોત થયા હતા. વળી, કોરોના પ્રોટોકોલ પ્રમાણે ૫૦૦ લોકોના અંતિમ સંસ્કાર કરાયા હતા. સાઉથ દિલ્હીના સુભાષનગર સ્મશાન ગૃહમાં લાંબી લાઈનો લાગી જતાં સ્મશાન ગૃહ બંધ કરવાનો વારો આવ્યો હતો.
દિલ્હીમાં ઓક્સિજનની પણ ભયાનક તંગી ચાલી રહી છે. જયપુર ગોલ્ડન હોસ્પિટલમાં શુક્રવારે રાત્રે ઓક્સિજનનું પ્રેશર ઘટી જતાં ૨૦ પેશન્ટના મોત થયા હતા. અન્ય હોસ્પિટલોની હાલત પણ ખરાબ હોવાથી મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો.
દિલ્હી સરકારે સ્થિતિને કાબૂમાં રાખવા ખૂબ જ ગંભીર સ્થિતિ માટે ઓક્સિજનનો સ્ટોક રાખવાનું પણ નક્કી કર્યું છે