હાલમાં ભાવનગર શહેર અને જિલ્લામાં કોરોના મહામારી બે કાબુ બની હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ રહી છે અને સરકારી સહિત ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજન, ઇન્જેક્શન સહીતની તંગી વર્તાઇ રહી છે અને વ્યવસ્થા ડામાડોળ થઇ ગઇ હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ પામ્યું છે. આવા સમયે હોસ્પિટલોના ડોક્ટરો સહિત સ્ટાફ દર્દીઓની સારવાર માટે પુરી તાકાત લગાવતા હોય છે પરંતુ દર્દીના સગાઓ દ્વારા તેની અવગણના કરી અમારા સગા દર્દીને યોગ્ય સારવાર ન અપાતી હોવાના દેકારા કરી ડોક્ટરો સામે આક્ષેપો કરવા તથા હુમલા અને હોસ્પિટલોમાં તોડફોડ કરવાના બનાવો બની રહ્યા છે જે ખરેખર વખોડવા લાયક કહી શકાય. કોઇપણના ઘરમાં બે દર્દી એક સાથે ભેગા થઇ જાય ત્યાં આખું તંત્ર રોડે ચડી જાય છે અને પરિસ્થિતિ ડામાડોળ થઇ જાય છે ત્યારે આવા લોકો સરકારી હોસ્પિટલમાં ૫૦૦ થી લઇને ર૦૦૦ દર્દીની સારવાર કરતા ડોક્ટરો કે સ્ટાફની સામે આક્ષેપ કરતા જરાપણ શરમાતા નથી.
એક સાથે અસંખ્ય દર્દીઓની સારવાર કરતા ડોક્ટરો કે સ્ટાફની કદાચ ભુલ થઇ શકે તે શક્ય છે પરંતુ તેનો મતલબ તેના પર માછલા ધોવા બેસી જવા તે કેટલું વ્યાજબી? તેની સામે સરકારી કે ખાનગી કોરોના દર્દીની સારવાર કરતા ડોક્ટરો કે સ્ટાફની મદદ કરી તેમને પ્રોત્સાહન આપી તેમની હિંમત વધારવી જોઇએ. હા આવા પૈકી એકલ, દોકલ કે લાલચું નિકળે પણ ખરા પરંતુ તેની સામે નહીં જોતા સમગ્ર સીસ્ટમને બદનામ કરવી એ વ્યાજબી નથી. દરેકને સરખાં ગણવા તે યોગ્ય ન હોવાનું પણ ભાજપના એક અગ્રણી દ્વારા જણાવાયું હતું.