તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલો ઓક્સિજનના વપરાશનો રેકોર્ડ રાખવા આદેશ

565

(જી.એન.એસ)અમદાવાદ,તા.૨૫
કોરોનાના દર્દીઓને અપાતા ઓક્સિજન મામલે આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેએ અજીબો ગરીબ નિર્ણય કર્યો છે. આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે દ્વારા પત્ર લખી તમામ દર્દીઓને અપાતા ઓક્સિજનનો અલાયદો રેકોર્ડ રાખવા આદેશ કરાયો છે. જરૂરિયાત મુજબ ઓક્સિજનનો ઉપયોગ થાય, ઓક્સિજનનો બગાડ અટકાવવાના આશયથી તમામ દર્દીને અપાતા ઓક્સિજનનો રેકોર્ડ રાખવા આદેશ કરાયો છે.
આરોગ્ય કમિશનર દ્વારા આદેશ કરાયો કે, રાજ્યની તમામ સરકારી – ખાનગી હોસ્પિટલે આદેશનું પાલન કરવાનું રહેશે. દર્દીને આપવામાં આવતા ઓક્સિજનની વિગતો દૈનિક ધોરણે સારવાર કરનાર ફિઝિશિયન/એનેસ્થેટીસ્ટએ ભરવાની રહેશે. આ વિગતો દર્દીના કેસ પેપર ઉપરાંત અલગથી તૈયાર કરવાની રહેશે. ફરજિયાત તમામ સરકારી – ખાનગી હોસ્પિટલોએ દર્દીને અપાતા ઓક્સિજનનો રેકોર્ડ રાખવાનો રહેશે. તેમજ આ આદેશનું પાલન ના કરનાર હોસ્પિટલ સામે દંડનાત્મક કાર્યવાહી કરાશે. રાજ્યભરમાં કોવિડના દર્દીઓ સતત વધતા, તેમની સારવાર માટે ઓક્સિજનની મોટા પ્રમાણમાં ઉભી થયેલી જરૂરિયાત અને સતત ઓક્સિજનની સર્જાઈ રહેલી અછતને ધ્યાનમાં રાખીને આરોગ્ય કમિશનરે આ નિર્ણય કર્યો છે.
બીજી તરફ, અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ એસોશિયેશન (આહના)ના પૂર્વ સેક્રેટરીએ આરોગ્ય કમિશન જયપ્રકાશ શિવહરેના નિર્ણયને હાસ્યાસ્પદ ગણાવ્યો છે. આહનાના પૂર્વ સેક્રેટરી ડોકટર વીરેન શાહે કહ્યું કે, દરેક દર્દીને અપાતા ઓક્સિજનનો રેકોર્ડ કેવી રીતે રાખી શકાય. દર્દીની સ્થિતિ મુજબ સમયાંતરે ઓક્સિજનના વપરાશમાં વધારો – ઘટાડો થાય છે. દર્દીને અપાતી દવાઓની જેમ ઓક્સિજનનો પણ રેકોર્ડ રાખવો શક્ય જ નથી. ડો. વીરેન શાહે કહ્યું કે, વિશ્વના કોઈપણ દેશે તેના ડોક્ટરને દૈનિક ધોરણે દર્દીને અપાતા ઓક્સિજનનો રેકોર્ડ રાખવા આદેશ કર્યો હોય, એવું કોઈએ સાંભળ્યું છે ખરું?

Previous articleતલગાજરડાનો હનુમંત મહોત્સવ રદ અને મોરારીબાપુની કેવડીયા કથા મુલતવી
Next articleઇલિયાન ડિક્રૂઝનો જલપરી અવતાર જોઇ ફેન્સ દિવાના