ભાવનગર જિલ્લાના સમરસ કોવિડ કેર સેન્ટરમાં સારવાર લઈ રહેલા ૧૫૦ દર્દીઓએ કોરોનાને માત આપી

304

ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર જિલ્લા શાખા દ્વારા જિલ્લા આરોગ્ય વિભાગના સહયોગથી ભાવનગરની સમરસ હોસ્ટેલ ખાતે ૧૦૦ બેડની સુવિધા સાથેનું કોવિડ કેર સેન્ટર ૧૫ દિવસ પુર્વે શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં આજ દિવસ સુધીમાં ૧૫૦ થી વધુ દર્દીઓ કોરોનાની સારવાર લઇને સાજા થઇ ઘરે ગયા છે.
કોરોના મહામારીને પહોચી વળવા વિવિધ હોસ્પિટલો ઉપરાંત ખાનગી કે સંસ્થાકીય હોસ્પિટલોને કોવિડ કેર સેન્ટરની મંજુરી આપવામાં આવેલ. આ ઉપરાંત જિલ્લા વિકાસ અધિકારીની રજૂઆતથી ભાવનગરની સમરસ હોસ્ટેલમાં ૧૦૦ બેડની સુવિધા સાથેનું કોવિડ કેર સેન્ટર જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલીક તૈયાર કરવામાં આવ્યું અને તેનું સંચાલન ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર જિલ્લા શાખાને સોંપવામાં આવેલ અને ૧૫ દિવસ કરતા વધુ સમયથી આ સેન્ટર શરૂ થઇ ગયું છે અને અત્યાર સુધીમાં સારી સારવાર બાદ ૧૫૦ દર્દીઓ સાજા થઇ ગયા હતા,હાલ સમરસ સીસીસીમાં બપોરના ૧૨ વાગ્યા સુધીમાં ૮૬ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે.
રેડક્રોસનાં સુમિતભાઇ ઠક્કરે સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે અહીંયા સંપૂર્ણ શુધ્ધ વાતાવરણ સાથે એક પણ રૂપિયો લીધા વિના દર્દીઓની સારવાર કરાય છે જેમાં દર્દી દાખલ થાય એટલે તેને ન્હાવા, ધોવાના સાબુ, શેમ્પુ, ટુથ પેસ્ટ, ટુથ બ્રશ, નેપકીન, રૂમાલ, સહિતની વેલકમ કિટ આપવામાં આવે છે. દરરોજ સવાર સાંજ ચા – નાસ્તો, બંન્ને ટાઇમ પોષ્ટીક યુક્ત ભોજન, જ્યુસ, નાસ્તો, વિગેરે નિયમીત રીતે દરેક દર્દીઓને આપવામાં આવે છે. અને સતત હોસ્પિટલ સ્ટાફ તથા ડોક્ટરોનું દરેક દર્દી ઉપર સતત મોનીટરીંગ રહે છે. પરિણામે દર્દી વહેલા સાજા થઇ જાય છે. દર્દીઓને અહીંયા મુક્ત અને શુધ્ધ વાતાવરણ મળી રહે છે.
દર્દીઓની સારવારમાં રેડક્રોસનો નર્સીંગ સ્ટાફ સતત કાર્યશીલ રહે છે. અહીંયા ઓક્સિજન સુધીની સુવિધા છે. તેનાથી આગળ કોઇ દર્દીને વેન્ટીલેટરની જરૂર પડે તો સર ટી. હોસ્પિટલમાં તેમને રિફર કરવા પડે છે. તેમ સુમિત ઠક્કરે જણાવ્યું હતું. તેમનાં જણાવ્યું મુજબ સોનગઢ તથા સિહોર પીએચસીમાં આરોગ્ય વિભાગ દ્વારા શરૂ કરાયેલ કોવિડ કેર સેન્ટરમાં પણ રેડક્રોસનો નર્સીંગ સ્ટાફ સેવા આપશે. આ ઉપરાંત ઘરશાળામાં શરૂ કરાયેલ સેન્ટરમાં પણ રેડક્રોસનાં સ્ટાફની મદદ લેવાઇ છે. આ ઉપરાંત આગામી દિવસોમાં અલંગ ખાતે ૩૦ બેડ સાથેની કોવિડ કેર સેન્ટર શરૂ કરવાની તૈયારી ચાલી રહી હોવાનું તેમણે વધુમાં જણાવ્યું હતું.

Previous articleઇલિયાન ડિક્રૂઝનો જલપરી અવતાર જોઇ ફેન્સ દિવાના
Next articleભાવનગર શહેરમાં કોરોનાનો કહેર વધતા દર્દીઓને પડતી હાલાકી દૂર કરવા શહેર કૉંગ્રેસની માગ