હાલમાં ભાવનગર શહેરમાં કોરોના મહામારી અને પોઝીટીવ કેસની સંખ્યા દિન પ્રતિદિન વધતી જાય છે તેમાં સરકારની લાપરવાહીના પગલે દર્દીઓ અને તેમનાં પરિવારજનો હેરાન પરેશાન થઇ ગયા છે. લોકોને પડતી હાલાકી પ્રશ્ને આજે સોમવારે સાંજે પાંચ કલાકે ભાવનગર શહેર કોંગ્રેસ સમિત્તિ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી યોગ્ય પગલા લેવા રજૂઆતો કરવામાં આવી હતી.જેમાં ખાસ કરીને હોસ્પિટલોમાં બેડ મળતા નથી, ઇન્જેક્શન, ઓક્સિજન, વેન્ટિલેટર, નહીં મળતા દર્દીઓ અને તેમનાં સગા સબંધીઓ ત્રાહિમામ પોકારી ગયા છે. ઉપરાંત શહેરનાં તમામ વોર્ડ વિસ્તારમાં આવેલી શાળાઓમાં પણ ઓક્સિજનની વ્યવસ્થા સાથે બેડની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. હાલમાં કોરોનાની મહામારીમાં દર્દીઓ અને તેમના સગા સબંધીઓની સ્થિતી એવી થઇ ગઇ છે કે, લોકોને સરકારી કે ખાનગી હોસ્પિટલમાં બેડ મળતા નથી અને મૃત્યુનું પ્રમાણ પણ વધ્યું છે, પરંતુ સરકાર મૃત્યુના સાચા આંકડા આપે તો લોકો સ્વયંભુ લોકડાઉન રાખે તેવી પરિસ્થિતિ છે. પરંતુ સાચા આંકડા આપવામાં આવતા નથી. આજે ખાનગી હોસ્પિટલવાળા લોકોને બેફામ લૂંટે છે તેમ છતાં સરકાર તેમની પર કોઇ પગલા લેતી નથી. ખાનગી હોસ્પિટલમાં માપદંડ હોવું જોઇએ તેમજ સરકારી હોસ્પિટલમાં ડોક્ટર, નર્સિંગ, સિક્યુરિટી સ્ટાફની સેવા સારી છે. પરંતુ દર્દીઓની સંખ્યા ખુબ વધુ અને સ્ટાફની સંખ્યા ઓછી હોવાથી હાલત કફોડી થઇ છે.
ભાજપ સરકાર ફક્ત મોટી મોટી વાતો કરે છે. સરકારે કોઇ વધુ બેડ, વેન્ટીલેટરની વ્યવસ્થા કરી નથી, જેના પરિણામે આજે લોકો હાલાકી ભોગવી રહ્યા છે. આજે રેમેડિસીવર ઇજેકશન કઇ રીતે મેળવવું તે કોઇને ખબર નથી, લોકો ઇજેક્શન માટે ભટકી રહ્યા છે .
ઇજેક્શન કઈ રીતે મેળવવું તેનો ફાઇનલ ર્નિણય લેવાયો નથી. ઇજેક્શન માટે પ્રશ્ર કરીએ તો જવાબ મળતો નથી. ત્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ ૫૦૦૦ ઇજેક્શન પાર્ટી પ્રચાર માટે લઇ આવે આનાથી મોટી કમનશીબી શું હોઇ શકે. કોંગ્રેસની માગણી છે કે વહેલીતકે બેડમાં વધારો કરવામાં આવે અને દરેક દર્દીઓને પુરતો ઓક્સિજન, ઇજેક્શન, દવા મળી રહે. દરેક વોર્ડની કોર્પોરેશન સ્કૂલમાં ઓક્સિજન સાથેના બેડ અને પ્રાથમિક સારવાર મળી રહે તેવી તાત્કાલિક ધોરણે વ્યવસ્થા કરવામાં આવે. દરેક સ્મશાનમાં પુરતી વ્યવસ્થા કરવામાં આવે અને હમણા જ ગૃહમંત્રીએ ઉદ્દઘાટન કર્યું તે રીતે ભલે કર્યું તે પણ એક વાર ભાવનગરમાં પણ ૧૦૦ બેડ ની વ્યવસ્થા કરી ઉદ્દઘાટન કરે.