ચૈત્ર સુદ પૂનમ હનુમાન જયંતિની ભાવનગર શહેર અને જિલ્લાભરમાં હાલની મહામારીને ધ્યાને લઈને સાદગીપૂર્વક ઉજવણી કરવામાં આવી જો કે કોરોના મહામારીનાં કારણે લાંબા સમયથી મંદિરો બંધ હોવાનાં કારણે આજે ભાવિક ભક્તોએ મંદિર બહારથી જ હનુમાનજી દાદાને નતમસ્તક થઈને વંદન કર્યા હતા. ભાવનગર શહેર અને જિલ્લામાં હનુમાનજીની જન્મજયંતિ નિમિતે સાદગીપૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવી હતી શહેર અને જિલ્લામાં આવેલા નાના-મોટા મંદિરો કોરોના મહામારી ને કારણે બંધ છે ત્યારે મંદિરોમાં વિશેષ શણગાર કરવામાં આવ્યો છે.
સુપ્રસિધ્ધ યાત્રાધામ સાળંગપુરમાં દર વર્ષે લાખો હરિભક્તોની હાજરીમાં ઉજવાતો હનુમાન જયંતી તા.૨૭-૪-૨૦૨૧ ને મંગળવારના દિવસે આ વર્ષે હાલની કોરોના વાયરસની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ સાદાઈથી ઉજવવામાં આવ્યો હતો જેમા હનુમાનજીદાદાના મંદિરમાં ફૂલોનો વિશેષ શણગાર કરી શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજ ને સુવર્ણ વાઘા શણગાર કરાયો હતો તથા ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. હનુમાનજીદાદાની દિવ્ય આરતી શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી દ્વારા કરવામાં આવી હતી.હાલ કોરોના મહામારીને કારણે બહારના કોઈપણ નાગરિકને પ્રવેશ નિષેધ હોવાથી ફક્ત સંતો,પાર્ષદો દ્વારા દાદાનો અભિષેક વિધિ કરી રાજોપચાર પૂજન કરવામાં આવ્યું.
વિશેષમાં આજના આ પાવન દિવસે દાદાના નીતિપ્રવિણ (હનુમત સ્તોત્ર) કથા પર આધારિત હે હનુમન્ હરસંકટં મે પુસ્તકનું વિમોચન કરવામાં આવેલ તેમજ શ્રી કષ્ટભંજનદેવને ૧૧૧૧ કિલોના લાડુનો ભોગ ધરાવવામાં આવેલ આ લાડુ કોરોના વોરિયર્સ ડોકટરો અને નર્સોને પ્રસાદ રૂપે આપવામાં આવ્યો છે. તથા શ્રી હનુમાન જન્મોત્સવ અંતર્ગત દાદાના ભક્તોએ પોતાના ઘેર દાદાને થાળ-આરતી-શણગાર કરી પૂજન કરેલ. મંદિરના પૂજ્ય અથાણાવાળા સંત મંડળના શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી દ્વારા હાલની કોરોના મહામારીને લક્ષમાં લઈ સમગ્ર વિશ્વના કલ્યાણ તથા કોરોના મહામારીના નિવારણ અર્થે મારુતિયજ્ઞ કરવામાં આવ્યો હતો તેમજ કોરોના મહામારીમાં દેવલોક પામેલ આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી દાદાનો શાંતિપત્ર મોકલવામાં આવેલ.
દેશ -વિદેશમાં વસતા દાદાના ભક્તજનોએ હનુમાન જયંતી ના દિવ્ય દર્શન,અભિષેક વિધિ તથા અન્નકૂટ આરતીનો લાભ ઘેર બેઠા હજારો ભાવિક ભક્તો એ યુટ્યુબ અને ટી. વી. ચેનલના માધ્યમથી લીધો હતો. હનુમાન જન્મોત્સવના આ દિવ્ય પ્રસંગે મંદિરના શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી તથા કોઠારી સ્વામી વિવેકસાગરદાસજી દ્વારા હાલની કોરોના વાયરસની મહામારીમાંથી દેશ અને દુનિયાને વહેલી તકે મૂક્ત કરવા દાદાના ચરણોમાં પ્રાર્થના કરવામાં આવી હતી.
અધેવાડા ગામ ખાતે આવેલ ઝાંઝરીયા હનુમાનજી મંદિર ખાતે લોકો બહાર થી જ દર્શન કરી ધન્યતા અનુભવી હતી, અને શહેરમાં આવેલ ગોળીબાર હનુમાનજી મંદિરની આરતી ઓનલાઇન દર્શન લાભ લીધો હતો, આ જગતે જેને સર્વ દુખહરણ ચિંતા નાશક અને અજય-અમર બાહુબલી ની ઉપમા આપી છે એવાં પવનસૂત અંજની પુત્ર હનુમાનજી મહારાજ નો આજે પૃથ્વી પ્રાગટ્ય દિન છે. દર વર્ષે ચૈત્ર સુદ પૂનમ ના રોજ હનુમાનજી ની જન્મજયંતિ ની ભારે આસ્થા-ભક્તિ સાથે શ્રધ્ધાળુઓ દ્વારા ઉજવણી કરવામાં આવે છે.પરંતુ છેલ્લા દોઢ વર્ષ થી સકળ જગતમાં પંકાયેલી કાળમુખી કોરોના ની મહામારી ને કારણે ધાર્મિક તહેવારો-ઉત્સવો ની ઉજવણી બંધ થઈ ગઈ છે ત્યારે આજરોજ ભાવેણા વાસીઓ દ્વારા હનુમાનજી ની વિશેષ ઉપાસના ભક્તિ તથા હનુમાન ચાલીસા ના પાઠ કરી જગત ને મહા સંકટ માથી ઉગારવા પ્રાર્થના ઓ કરશે શહેરમાં તમામ નાના મોટા ધાર્મિક કાર્યક્રમો બટુક ભોજનો બંધ રાખવામાં આવ્યા છે.