સમગ્ર ગુજરાત રાજ્યની સાથોસાથ ભાવનગર શહેર અને જિલ્લામાં કોરોના માહામારી બે કાબુમ બની છે રાજ્ય સરકાર દ્વારા ગઈકાલે વધારા નિયંત્રણો મુકતુ જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવ્યુ છે અને ૨૨ શહેરો ઉપરાંત અનેક નવા શહેરો અને ગામોને રાત્રી કર્ફ્યુમાં ઉમેરવામાં આવ્યા છે. અને વધારાના નિયંત્રણો મુકવામાં આવ્યા છે. અલગ અલગ શહેર જિલ્લાની પરિસ્થિતીને અનુલક્ષીને સ્થાનિક લેવલે નિર્ણયો લેવાની પણ અપાયેલી સૂચનાના આધારે ભાવનગર જિલ્લા કલેકટર દ્વારા ભાવનગરમાં વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાને લઈ તા.૨૮ એપ્રીલથી ૫ મે સુધી ભાવનગર શહેરમાં આવશ્યક ચીજવસ્તુઓ સિવાયની તમામ દુકાનો, એકમો, કારખાના, લારી-ગલ્લા સંપૂર્ણ બંધ રાખવા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યુ છે જે સંદર્ભે આજથી શહેરી વિસ્તારની તમામ દુકાનો બજારો બંધ રહી હતી.
સમગ્ર ગુજરાત રાજ્યમાં કોરોના સંક્રમણ વધી રહ્યુ છે જેને ધ્યાને લઈ રાજ્ય સરકાર દ્વારા વિવિધ નિયંત્રણો લાદવામાં આવ્યા છે. જે અન્વયે ભાવનગર શહેર સહિતના શહેરોમાં તા.૨૮ એપ્રીલથી ૫ મે સુધી રાત્રીના ૮ થી સવારના ૬ સુધી કર્ફ્યુનો અમલ યથાવત રહેશે. જેમાં કોરોના માર્ગદર્શિકાનું પાલન કરવા આવશ્યક સેવાઓ ચાલુ રહેશે. રાજ્ય સરકારની કોરોનાની માર્ગદર્શિકા અને હુકમનું પાલન કરતા ભાવનગર જિલ્લા મેજીસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડેલ છે.
જેમાં આ સમય દરમિયાન લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળે મહત્તમ ૫૦ વ્યક્તિની મંજુરી ઓનલાઈન નોંધણીથી કરી શકાશે. અંતિમક્રિયા કે દફનવિધી માટે ૨૦ વ્યકતીની રહેશે. સમગ્ર જિલ્લામાં સરકારી અર્ધ સરકારી, બોર્ડ, કોર્પોરેશન, બેંક, ફાઈનાન્સ સેવાઓ, કેસ ટ્રાંજેકશન સેવાઓ, બેંકોનું ક્લીયરીંગ, એટીમ, ઈન્સ્યોરન્સ કંપની તથા ખાનગી કંપનીઓમાં ઓફિસમાં ૫૦ ટકા હાજરીથી કામ કરી શકાશે. કોઈપણ જાતના રાજકીય, ધાર્મિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક કે રમત ગમત ચાલુ રાખી શકાશે નહી. ધાર્મિક સ્થળો બંધ રાખવા તેમજ પબ્લીક ટ્રાન્સપોટશન ૫૦ ટકા મુસાફરો સાથે ચાલુ રખાશે. અને આવશ્યક સિવાયની તમામ દુકાનો અને એકમો બંધ રાખવા હુકમ કરાયો છે.
કોરોના સંક્રમણમને અટકાવવા માટે ભાવનગર શહેરમાં દિવસ દરમિયાન પણ તમામ દુકાનો સહિત એકમો બંધ રાખવા જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે જેમાં જાહેરનામાનો અમલ નહિ કરનાર સામે ૧૮૮ મુજબ ફોજદારી ગુનો દાખલ કરવા પણ કલેકટર દ્વારા હુકમ કરાયો છે.
આજથી આઠ દિવસ માટે કલેકટર દ્વારા જાહેરનામાથી અપાયેલ લોકડાઉનના પ્રથમ દિવસે આજે શહેરની તમામ બજારો સંપૂર્ણ બંધ રહેવા પામી હતી.
અગાઉ સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વિવિધ વેપારી એસોસીએશનોને સાથે રાખી શનિ રવી સ્વૈચ્છિક લોકડાઉન રાખવા અપીલ કરવામાં આવી પરંતુ આ અપીલને અવગણીને સ્વૈચ્છિક લોકડાઉન નહી પાળનાર વેપારીઓ હવે ફરજીયાત આઠ દિવસ ધંધા રોજગાર બંધ રાખી ઘરે બેસશે.