અમરેલી જિલ્લાના સાવરકુંડલા પાસેના ફીફાદ ગામે સમગ્ર મુસ્લિમ સમાજ દ્વારા સમુહ શાદી ઉત્સવ તા. ૪-૪-૧૮ બુધવારે ખુબ ધામધુમ પુર્વક ઉજવવામાં આવ્યો.
ફીફાદ ગામ ધંતરશાહપીરના સ્થાનક તરીકે ઐતિહાસિક મહત્વ ધરાવે છે. તેનો ઉલ્લેખ મેઘાણીની લોકવાર્તા પણ કરે છે. પીરનો ઉર્ષ મહોત્સવ પણ યોજવામાં આવ્ય્ હતો. પ૭ નવદંપતિને નિકાહની રસમથી જીવનની શરૂઆત કરવામાં આવી હતી. આસપાસના લગભગ ૩પ ગામની મુસ્લિમ જમાતોએ આ મહોત્સવમાં ભાગ લીધો હતો. ભોજન ખર્ચના દાતાશ્રી મહમદભાઈ માડાનું સાફો બાંધીને સન્માન કરવામાં આવ્યું હતું. તેના પ્રત્યુત્તરમાં આવા શુભ પ્રસંગે તેઓ મુંબઈથી ખાસ હાજર રહી ભોજનનો તમામ ખર્ચ ઉપાડશે તેવી જાહેરાતને જનમેદનીએ વધાવી લીધી હતી. સાવરકુંડલાના પીરે તરીકત તથા સમગ્ર ગુજરાતના વ્યસન મુકિતના પ્રણેતા એવા પૂ. દાદાબાપુએ સંબોધન કરતાં જણાવ્યું કે દુનિયાના તમામ રાષ્ટ્રો જયાં વિવાદ અને સંઘર્ષ છે ત્યા અમન અને શાંતિ નથી આપણે તેને જાળવી શકીએ છીએ તેનો આનંદ છે. આવા પ્રસંગો માટે આયોજકોને અભિનંદન આપી સૌને બચત અને વ્યવસાય તરફ વિશેષ ધ્યાન કેન્દ્રીત કરવા અનુરોધ કર્યો. સંતશ્રી પૂ. મોરારીબાપુએ જણાવ્યું કે મારે મન ઈશ્વર અલ્લાહમાં ભેદ નથી મને કથા દરમ્યાન પણ અલી મૌલાનું સ્મરણ થાય છે. ગંગા અને ઝમઝમનું પાણી એક જ છે. મે ઝમઝમના પાણીના રોટલા ખાધા છે. આજે ફીફાદની આ પવિત્ર ધરતી સમગ્ર રાષ્ટ્રને ખુશહાલીનો સંદેશો આપી રહી છે. તેઓએ આ સમગ્ર મુસ્લિમ સમાજની કમિટિને આયોજનમાં પોતાના તરફથી તુલસી પત્ર રૂપે રકમ પણ એનાયત કરી જનમેદનીએ તેમની આર્શિવાદક હાજરીને બીરદાવી હતી.
સમગ્ર આયોજન પાર પાડવા કમિટિના સભ્યો અલારખભાઈ બીલખીયા, અકબરઅલી સૈયદ, અકબરભાઈ બલખીયા, ડો. બુખારી સા, નિવૃત્ત સમાજ કલ્યાણ અધિકારી સૈયદ વગેરેએ જહેમત ઉઠાવી હતી. મહેંદીબાપુ (મહુવ)એ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. આ પ્રસંગે સુરતના અગ્રણી દાતા મહેશભાઈ સવાણી, સાંસદ નારણભાઈ કાછડિયા, ઈસ્માઈલભાઈ મુખી, કતેનભાઈ કાંત્રોડિયા, આચાર્ય સંઘના મહામંત્રી તખુભાઈ સાંડસુર વગેરે વિશેષ ઉપસ્થીત રહ્યા હતાં. ગારિયાધાર વેપારી અગ્રણીઓ તથા લોક સાહિત્ય કાર માયાભાઈ આહીરની હાજરી નોંધ પાત્ર હતી. કાર્યક્રમનું સંચાલન શિક્ષણકાર મનસુખપરી ગોસાઈએ કર્યુ હતું.