(સંપૂર્ણ સમાચાર સેવા)નવી દિલ્હી, તા. ૨૮
દેશમાં કોરોના વાયરસ ના કેસ વધવાની સાથે-સાથે લોકડાઉનનું સંકટ ઘેરાઈ રહ્યું છે. આવામાં દેશના ૧૫૦ જિલ્લામાં સ્થિતિ કાબૂ બહાર જઈ રહી છે. જ્યાં પોઝિટિવિટી રેટ ૧૫%ને પાર ગયો છે, જેના લીધે કોરોના મહામારીની સ્થિતિ વકરવાના કારણે લોકડાઉની સંભાવના વધી રહી છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની મહત્વની બેઠક યોજાઈ હતી, જેમાં દેશમાં વધતા કોરોનાના કેસને કઈ રીતે અટકાવવા તે અંગે કેટલા મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી. જોકે, આ અંગે અંતિમ નિર્ણય રાજ્ય સરકાર કેન્દ્ર સાથે મળીને લઈ શકશે. આવામાં જ્યાં કોરોનાના કેસ કાબૂ બહાર જઈ રહ્યા છે તે જિલ્લાઓને અલગ તારવવામાં આવ્યા છે અને સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે કે, અમારા વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે, જ્યાં કોરોના સંક્રમણ વધુ છે ત્યાં કેટલાક જિલ્લાઓમાં આગામી અઠવાડિયામાં કોરોનાની ચેઈન તોડવા માટે લોકડાઉન જરુરી છે.મંગળવારે સતત ૭મા દિવસે ભારતમાં ૩ લાખથી વધારે કોરોનાના નવા કેસ નોંધાયા છે અને સતત ૮ દિવસથી ૨૦૦૦થી વધુ દર્દીઓ એક જ દિવસમાં કોરોના સામે દમ તોડી રહ્યા છે. આ સાથે દેશમાં મહારાષ્ટ્રમાં એક દિવસના સૌથી વધુ ૪૮,૭૦૦ નવા કેસ નોંધાયા છે, આ પછી બીજા નંબરે ઉત્તરપ્રદેશ છે કે જ્યાં ૩૩,૫૫૧ નવા કેસ નોંધાયા છે અને કર્ણાટકમાં ૨૯,૭૪૪ કેસ આવ્યા છે. આ સિવાય ઓછી વસ્તી ધરાવતા કેરળ જેવા રાજ્યોમાં પણ કોરોનાનો રાફડો ફાટ્યો છે. ભારતનો કોરોનાનો પોઝિટિવિટી રેટ ૨૦% છે.
માર્ચના મધ્યથી ભારતમાં કોરોનાના એક્ટિવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે અને હાલ આ આંકડો ૨૯.૭૮ લાખને પાર પહોંચી ગયો છે. આંઠ રાજ્યો- મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, કર્ણાટકા, કેરળ, રાજસ્થાન, ગુજરાત, છત્તીસગઢ અને તામિલનાડુમાં એક લાખ કરતા પણ વધારે એક્ટિવ કેસ છે. બીજી લહેર દરમિયાન જે પ્રમાણે કેટલાક જિલ્લાઓમાં રોકેટ ગતિએ કોરોનાના પોઝિટિવ કેસ વધી રહ્યા છે તે દેશના અન્ય ભાગો માટે પણ ચિંતાનું કારણ બન્યા છે. અગાઉ પણ વધતા કેસનો ધ્યાનમાં રાખીને કેન્દ્ર દ્વારા રાજ્યોને બીનજરુરી ગતિવિધિઓ પર કંટ્રોલ લાવવા માટે સૂચન કર્યું હતું.કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારે રજૂ કરેલા આંકડા પ્રમાણે ભારતમાં ૨૪ કલાકમાં કોરોના વાયરસના વધુ ૩,૬૦,૯૬૦ નવા કેસ નોંધાયા છે અને ૩,૨૯૩ દર્દીઓએ દમ તોડ્યો છે.
ભારતમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા ૧,૭૯,૯૭,૨૬૭ થઈ ગઈ છે. કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા ૧,૪૮,૧૭,૧૭૧ પર પહોંચી છે. ભારતમાં કોરોનાના કારણે મૃત્યુ પામેલા દર્દીઓનો આંકડો ૨ લાખને પાર કરીને ૨,૦૧,૧૮૭ થઈ ગયો છે. જ્યારે કુલ એક્ટિવ કેસની સંખ્યા ૨૯, ૭૮,૭૦૯ થઈ ગઈ છે.