ફ્લેટનો કબ્જો લેવા બાબતે ૭ વ્યક્તિઓનો હિચકારો હુમલો

623
bvn742018-5.jpg

શહેરના દેવુબાગ પ્રમુખસ્વામી ફ્લેટમાં રહેતા અને વિટકોસ ન્યુઝના સંચાલક પ્રદિપ શુક્લ પર ગત રાત્રિના એક જ પરિવારના પાંચ સભ્યો અને બે અજાણ્યા શખ્સો ઘરમાં ઘુસી જઈ ફ્લેટનો કબ્જો મેળવવા બાબતે હિચકારો હુમલો કરી નાસી છુટ્યા હતા. હુમલામાં ઈજાગ્રસ્ત પ્રદિપ શુકલ (પ્રોવેલ)ને લોહીલુહાણ હાલતે સારવાર અર્થે સર ટી. હોસ્પિટલ ખસેડાયા છે.
પ્રાપ્ત વિગત મુજબ, શહેરના દેવુબાગ પ્રમુખસ્વામી ફ્લેટમાં રહેતા પ્રદિપભાઈ વસંતરાય શુકલ (પ્રોવેલ) તેનો ફ્લેટ કુંભારવાડામાં રહેતા પ્રવિણસિંહ અજીતસિંહ જાડેજાને વેચ્યો હતો. જે અંગેના ચાર લાખ રૂપિયા પ્રવિણસિંહ પાસેથી લેવાના બાકી હતા. ગત રાત્રિના ૧૦ વાગ્યાના અરસામાં પ્રવિણસિંહ, તેના પત્ની હંસાબા, તેના પુત્રો અક્ષદિપસિંહ, કિશન, રવિરાજ અને બે અજાણ્યા શખ્સો પ્રદિપ શુક્લના ઘરે આવી ફ્લેટ ખાલી કરી આપવા કહેલ અને ઝઘડો કરવા લાગ્યા હતા. પ્રદિપભાઈએ ચાર લાખ રૂપિયા આપી દયો પછી ફ્લેટ ખાલી કરી આપું તેમ કહેતા ઉશ્કેરાઈ ગયેલા પ્રવિણસિંહ સહિત સાતેય વ્યક્તિઓએ લોખંડની કોશ તથા સ્ટેન્ડ વડે માથાના ભાગે હિચકારો હુમલો કરી લોહી લુહાણ હાલતે પ્રદિપભાઈને રૂમમાં પુરી નાસી છુટ્યા હતા. બાદ પ્રદિપભાઈ બારીમાંથી કુદી ફ્લેટની બહાર આવી તેમના મિત્ર હરેશભાઈ ડોડીયાની મદદથી સારવાર માટે સર ટી. હોસ્પિટલ આવ્યા હતા. બનાવની જાણ થતા નિલમબાગ પોલીસ મથકનો સ્ટાફ દોડી જઈ પ્રદિપભાઈ ફરિયાદ લઈ સાતેય વ્યક્તિ વિરૂધ્ધ કલમ ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩ર૩, ૩રપ, ૩૪ર, ૪૦ર મુજબ ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઈ જાડેજાએ હાથ ધરી છે.

Previous articleતડીપારના ભંગ બદલ શખ્સની ધરપકડ કરાઈ
Next articleભાજપ સ્થાપના દિને ફ્રુટ વિતરણ, મહાઆરતી