ભાવનગર કલેક્ટર ગૌરાંગ મકવાણા અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી વરૂણ બરનવાલે આજે ગારિયાધાર તાલુકાના મોટા ચારોડિયા ગામની આજે મુલાકાત લીધી હતી.
ભાવનગર સાથે જિલ્લામાં પણ ફેલાંયેલાં કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાત- દિવસ કામગીરી કરવામાં આવી રહી છે અને કોરોનાને હરાવવાં માટે કોઇપણ ક્ષેત્ર બાકી ન રહી જાય તેની વિશેષ તકેદારી રાખી તંત્ર કાર્યરત છે.
આજ કડીમાં જિલ્લા સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાનું ટ્રેકિંગ, ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટના ત્રિવિધ મંત્ર દ્વારા કામગીરી થાય તેટલું જ નહીં અસરકારક કામગીરી થાય તે માટે કલેક્ટર ગૌરાંગ મકવાણા અને જિલ્લા વિકાસ અધિકારી વરૂણ બરનવાલે ગારિયાધાર તાલુકાના મોટા ચારોડિયા ગામની આજે મુલાકાત લઇ ગામમાં આરોગ્ય કર્મચારીઓ સાથે ગામમાં રસીકરણ ઉપરાંત સ્વચ્છતાની કામગીરીની રૂબરૂ મુલાકાત લઇ સમીક્ષા કરી હતી. કલેક્ટરએ ગામમાં કોરોના ગાઇડલાઇનનું પાલન થાય બિનજરૂરી લોકો બહાર ન નિકળે તે માટે ગામના આગેવાનો સાથે પરામર્શ કર્યો હતો. ગામના લોકોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ મેળવવાં માટે અગવડ ન પડે તે રીતે ગામની દૂકાનો ખૂલે અને બિનજરૂરી ભીડ ભેગી ન થાય તે માટેની કાળજી લેવાં ઉપસ્થિત આગેવાનોને જણાવ્યું હતું.
કલેક્ટરેે કોરોનાને હરાવવાં માટેની તમામ તકેદારીઓનું પાલન થાય તે માટે ઉપસ્થિત અધિકારીઓ- કર્મચારીઓને માર્ગદર્શન પણ આપ્યું હતું.