શહેરના અખિલેશ સર્કલમાં પાણીની લાઈનના વાલમાંથી છેલ્લા ત્રણ દિવસથી શુદ્ધ પાણી રોડપર થી વહીને ગટરમાં જઈ રહ્યું છે. અખિલેશ સર્કલનો બગીચો પાણી થી ભરાઈ ગયો છે. ભાવનગર શહેરમાં છાશવારે સર્જાતી પાણી-ડ્રેનેજ સહિતની સમસ્યાઓને લઈને મહાનગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ ભારે બેદરકાર છે.
એક તરફ આકરાં ઉનાળામાં પીવાના પાણીની સમસ્યા હોય છે. ત્યારે કેટલાક વિસ્તારોમાં પીવાનું પાણી પુરૂ પાડતી ભૂગર્ભ લાઈનોમાં ભંગાણ થવાના કારણે સેકડો લીટર પીવાનું પાણી વેઠફાઈ જાય છે. છતાં જવાબદારોના પેટનું પાણી પણ નથી હલતું. આવી જ એક ગંભીર બેદરકારીને પગલે સ્થાનિક જનતા પાણી માટે વલખાં મારી રહી છે. જયારે તંત્રના પાપે પાણીનો બેફામ વેડફાટ થઈ રહ્યો છે.
તાજેતરમાં શહેરના માર્કેટીંગ યાર્ડ પાસે આવેલ ઈન્દિરાનગર વિસ્તારમાં શહેરને પિવાનુ પાણી પુરૂ પાડતી મુખ્ય લાઈનમાં ભંગાણ સર્જાતા સેકડો લીટર પીવાના પાણીનો વેડફાટ થયો હતો. એજ રીતે શહેરના અખિલેશ સર્કલમાં પાણીની લાઈનના વાલમાંથી છેલ્લા ત્રણ દિવસથી શુદ્ધ પાણી રોડપરથી વહીને ગટરમાં જઈ રહ્યું છે.
આ વિસ્તારમાં પાણીનો વ્યય થતો સ્થાનિકોને પુરતાં પ્રમાણમાં પાણી ન મળી રહ્યું હોવાની વ્યાપક ફરિયાદ જવાબદારોને કરી હોવા છતાં આ “રાવ” જાણે બહેરા કાને અથડાઈ બરાબર જ લાગી રહ્યું છે. એક તરફ તાપમાન ૪૦ ડીગ્રીને પાર પહોંચી રહ્યું છે.શહેરમાં દરરોજ પાણીની જરૂરિયાતમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે લોકોને વધારે તો નહીં પરંતુ પુરતાં પ્રમાણમાં પાણી મળવું જોઈએ. અને લાઈનો તૂટવા જેવી ગંભીર ફરિયાદોનો ઉકેલ લાવવો જોઈએ એવું શહેરના પ્રબુદ્ધ નાગરિકો ઈચ્છી રહ્યાં છે.