આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને પ્રદેશકક્ષાએથી ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી નિરીક્ષકોની ટીમ બોટાદના બાબરકોટ ગામે આવી હતી. જેમાં કોળી સમાજને પ્રતિનિધિત્વની માંગ સાથે વિશાળ સંમેલન યોજી શક્તિ પ્રદર્શન કર્યુ હતું.
બોટાદ વિધાનસભા બેઠકમાં કુલ ર.પ૧ લાખ મતદારો છે. જેમાં ૭૮ હજાર મત કોળી સમાજના છે. ૪ર હજાર મત પટેલ સમાજ ત્યારબાદ અન્યક્રમે અન્ય સમાજો આવે છે.બોટાદ જિલ્લામાં કોળી સમાજનું બહોળુ વર્ચસ્વ હોવા છતા કોળી સમાજને આજ સુધીમાં ક્યારેય પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું નથી. જે અન્વયે પ્રદેશ ભાજપના નિરીક્ષકોની ટીમ બોટાદ જિલ્લાના પાળીયાદ તાલુકાના બાબરકોટ ખાતે કોળી સમાજના પાંચાભાઈ સાંકળીયાની આગેવાની તળે કોળી સમાજનું વિશાળ સંમેલન યોજી નિરીક્ષકો સામે શક્તિ પ્રદર્શન કરી આગામી વિધાનસભાની ચૂંટણીમાં બોટાદ જિલ્લા ખાતે કોળી સમાજના લોકોને પ્રતિનિધિત્વની તક આપવામાં આવે તેવી માંગ કરી હતી.