આશુતોષ અન્નક્ષેત્ર તળાજાના ઉપક્રમે કોરોનાગ્રસ્ત લોકોને દરરોજ ટિફિન પહોંચાડવાની સેવા શરુ છે. ઈમ્યુનિટી વધે એ પ્રકારનો આહાર અપાય છે. છેલ્લા સવા વર્ષથી એક પણ દિવસ ચુક્યા વગર રોજ ભૂખ્યાને ભોજન આપવાનો સેવાયજ્ઞ આજે પણ અવિરત શરુ છે. રોજ અનેક લોકો આ સેવાનો લાભ લઇ રહ્યા છે. લોકોને માસ્ક અને સેનિટાઇઝરનું પણ વિતરણ કરાય છે. દર મહિને ચપ્પલ, ધાબળા, કપડા પહોચાડે છે. ગરીબ બાળકોને ચોપડા તથા ડિલીવરી સમયે બહેનોને પૌષ્ટિક આહાર અપાય છે. કોરોનાકાળમાં જેમણે સ્વજન ગુમાવ્યા છે એ આ ગરીબ બાળકોને ભોજન આપી સાચી શ્રદ્ધાંજલિ પાઠવે છે. અનેક લોકો પોતાનો જન્મદિન કે લગ્નતિથિ આ અનાથ લોકો વચ્ચે ઉજવીને આ સેવાના સાગરમાં એમની અંજલિ આપે છે. પૂ. મોરારિબાપુ, માયાભાઈ આહિર, સંસદસભ્ય ભારતીબેન શિયાળ, ધારાસભ્ય કનુભાઈ બારૈયાનો પણ સહયોગ પ્રાપ્ત થઇ રહ્યો છે. શિવકથાકર ભારદ્વાજબાપુ જણાવે છે કે ‘સૌના સહકારથી આ સેવાયજ્ઞમાં અવિરત આહુતિઓ અપાય રહી છે.’ આ ઉમદા કાર્યમાં અનેક સ્વયંસેવકો કાર્યરત છે. સાથે સાથે નગરશ્રેષ્ઠીઓ પણ ઉદાર હાથે દાન કરી રહ્યા છે. આશુતોષ અન્નક્ષેત્ર સેવા માટે મોબાઈલ નં. ૯૯૭૯ ૩૪૩૪૩૪ નો સંપર્ક કરી શકો છો. કોરોનાકાળમાં શ્રેષ્ઠ કાર્ય બદલ આ સસ્થાને મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા શ્રેષ્ઠ સેવાભાવી સંસ્થાનું સન્માનપત્ર પણ પ્રાપ્ત થયું છે.