ભાવનગર શહેરના ઘોઘા રોડપર આવેલ કોન્વેન્ટ સ્કૂલ સામે આવેલ એક ફલેટ નો દાદર એકાએક ધડાકાભેર ધરાશાયી થતાં અફડાતફડી મચી જવા પામી હતી.
જોકે ફાયર ફાઈટર ની ટીમે તત્કાળ ઘટના સ્થળે દોડી જઈ ઈમારતમાં ફસાયેલા લોકો ને સહી સલામત બે માળથી નીચે ઉતાર્યા હતા.ભાવનગર ફાયર બ્રિગેડ કચેરીથી જાણવા મળતી વિગતો અનુસાર શહેરના ઘોઘા રોડપર ફાતિમા કોન્વેન્ટ સ્કૂલ આવેલી છે આ સ્કૂલ સામે શુભ-સંકેત નામનો રેસિડેન્સીયલ ફ્લેટ આવેલો છે આ બહુમાળી ફ્લેટ નો દાદર વર્ષો જૂનો અને જર્જરિત હાલતમાં હોય આથી સોમવારે રાત્રે એકાએક આ દાદર અચાનક ધડાકાભેર તૂટી પડતાં ફ્લેટમાં રહેતા લોકોમાં અફડાતફડી મચી જવા પામી હતી અને ત્રીજા માળેથી નીચે ઉતરવા લોકોએ દોડાદોડી કરી હતી,એ દરમ્યાન કોઈ એ ફાયરબ્રિગેડ ને જાણ કરતાં કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ફાયરફાઈટરો એ બીજા તથા ત્રીજા માળે રહેતા લોકો ને રેસ્ક્યુ કરી સહી સલામત નીચે ઉતાર્યા હતા.
આ બનાવની જાણ મંત્રી તથા આ મત વિસ્તારના ધારાસભ્ય વિભાવરીબેન દવેને થતાં તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સ્થાનિકોના હાલચાલ પુછ્યા હતાં. આ ફ્લેટમાં રહેતાં લોકોના જણાવ્યા અનુસાર જર્જરિત દાદરને લઈને બિલ્ડર ને વારંવાર રજૂઆત કરી હતી અને તત્કાળ સમારકામ માટે આગ્રહ પણ કર્યો હતો. આમ છતાં બિલ્ડરે કોઈ દાદ ન દેતાં આ દુર્ઘટના સર્જાઇ હોવાનું જણાવ્યું હતું જોકે સદ્દનસિબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી પરંતુ થોડા કલાકો માટે સ્થાનિક ના જીવ અધ્ધર થઈ ગયા હતા.