દર વર્ષે ઋતુ વર્તારા ના પરંપરાગત અભ્યાસુઓ ચૈત્ર માસના અંતિમ દિવસોમાં શરૂ થતાં દનૈયાનો બારીકાઈથી અભ્યાસ કરતાં હોય છે ત્યારે આજે આ ચૈત્રી દનૈયાના દસ દિવસ પૈકી બીજું દનૈયુ બગડ્યું હોવાનું જણાવ્યું હતું.આદિ લોક પુરાણોમાં “ભડલી શાસ્ત્ર” કે જેના આધારે ગામડાઓમાં વસતાં વયોવૃધ્ધો ત્રણેય ઋતુ ઓનો સ્પષ્ટ અને સચોટ વર્તારો (આગાહી) જાહેર કરતાં હોય છે જે લગભગ સાચી સાબિત થતી હોય છે ત્યારે ચોમાસામાં સારા વરસાદ માટે અને ચાર માસ સુધી ચિક્કાર વર્ષા માટે ચોમાસા પૂર્વે આભામંડળમા મેઘનું ગર્ભબંધારણ થવું અતિ આવશ્યક છે. ભડલી સૂત્ર અને લોક કથન મુજબ દર વર્ષે ચૈત્ર માસમાં ચૈત્ર વદ પાંચમ થી અમાસ દરમ્યાન દરિયામાં-નભ મંડળમાં વરસાદનો ગર્ભ બંધાય છે આથી આ દસ દિવસ આકાશ સ્વચ્છ રહે પુષ્કળ પ્રમાણમાં તાપ પડે પવનની ગતિ પણ મધ્યમ રહે તો ચોમાસાના ચાર માસ ભારે વરસાદ પડે છે અને સારા ધાન્ય અનાજ પાકે છે પરંતુ જો આ દસ પૈકી એકપણ દનૈયુ બરાબર ન તપે અગર વાદળો છવાયેલા રહે તો તે દનૈયુ બગડ્યું ગણાય છે અને ચોમાસામાં નિયત ધારણા મુજબ વરસાદ વરસતો નથી. ગત તા.૩-૪-૨૦૨૧ ને સોમવારથી ચૈત્રી દનૈયા નો પ્રારંભ થયો છે જેમાં પ્રથમ દનૈયુ સારું તપ્યુ હતું પરંતુ આજે બીજું દનૈયુ ધારણા મુજબ સારું નથી ગયું બપોર બાદ વાતાવરણ ધૂંધળું અને વાદળ આચ્છાદિત બન્યુ છે પરંતુ હજું આઠ દનૈયા બાકી છે ત્યારે ખેડૂતો તથા જુનવાણી લોકો કુદરતને મનોમન પ્રાર્થનાઓ કરી રહ્યાં છે કે બાકીના દનૈયા બરાબર તપે!