તાલાલા પંથકમાં પ્રતિકૂળ હવામાનનાં કારણે કેસર કેરીનો ૭૦થી ૮૦ ટકા પાક નાશ પામ્યો છે. તાલાલા પંથકનો મુખ્ય પાક કેસર કેરી છે. તાલાલા પંથકમાં દર વર્ષે અંદાજે રૂ. ૧૦૦ કરોડથી પણ વધુ કેસર કેરીનો પાક થાય છે. ૧૩ હજાર હેકટરમાં ૧૫ લાખ જેટલા આંબાઓ આવેલા છે. જેમાંથી ચાલુ વર્ષે ૫૦ ટકા આંબામાં તો સાવ પાક આવ્યો જ નથી. જેથી તાકિદે કેસર કેરીના નાશ પામેલ પાકનો સર્વે કરાવીને ઉત્પાદક કિસાનોને નિષ્ફળ ગયેલા પાકનું વળતર આપવાની માગણી કરતો ઠરાવ તાલાલા તાલુકા પંચાયતની સામાન્ય સભાએ સર્વાનુમતે પસાર કરી રાજ્ય સરકારમાં રજૂઆત કરી છે.
ગત શિયાળામાં ઠંડી ઓછી પડવાથી મોર મોડા ફુટયાં બાદ કમોસમી વરસાદે માર્યો બેવડો ફટકો પડ્યો હતો. તાજેતરમાં જ તાલાલા તાલુકા પંચાયતની સામાન્ય સભા પ્રમુખ ડાયાભાઇ વઘાસીયાના અધ્યક્ષ સ્થાને મળી હતી. આ બેઠકમાં તાલાલા પંથકના ખેડૂતોની જીવાદોરી સમાન કેસર કેરીના પાકને ચાલુ વર્ષે ગ્લોબલ વોર્મિંગની વ્યાપક અસર થતા ૭૦થી ૮૦ ટકા નાશ પામ્યો હોવા અંગે ચિંતા વ્યકત કરીને તાલાલ પંથકના કેસર કેરીના ઉત્પાદક કિસાનોને નાશ પામેલા પાકનું યોગ્ય વળતર આપવાની માગણી કરતો ઠરાવ કરવામાં આવ્યો હતો. પાકને ગ્લોબલ વોર્મિંગથી વ્યાપક નુકસાન થયું હોવાનું જૂનાગઢ ખાતેના કૃષિ વ્યવસાયિકોએ પણ તેમના અહેવાલમાં નોંધ્યું હોવાના ઉલ્લેખ સાથે ઠરાવમાં ઉમેર્યું છે કે, તાલાલા પંથકનો મુખ્ય પાક કેસર કેરી છે. તાલાલા પંથકમાં દર વર્ષે અંદાજે રૂ. ૧૦૦ કરોડથી પણ વધુ કેસર કેરીનો પાક થાય છે. ૧૩ હજાર હેકટરમાં ૧૫ લાખ જેટલા આંબાઓ આવેલા છે.વર્ષમાં એક જ વખત આવતો કેસર કેરીનો પાક નિષ્ફળ જતા તાલાલા પંથકના કેસર કેરીના ઉત્પાદક કિસાનો દયાજનક સ્થિતિમાં મુકાઇ ગયા છે.
તાલાલા પંથકના કેસર કેરીના ઉત્પાદક કિસાનોને આર્થિક પાયમાલીમાંથી ઉગારવા તાકિદે કેસર કેરીના નાશ પામેલા પાકનો યોગ્ય વળતર ચૂકવવા ઠરાવમાં માગણી કરીને તેની નકલો સાથે તાલુકા પંચાયતની સામાન્ય સભાએ સરકારમાં રજૂઆત કરીને તાલાલા પંથકના કિસાનોને યોગ્ય ન્યાય આપવા માગણી કરી છે.