રામોલ કેસ : હાર્દિકના જામીન રદ કરવાની સરકારની અરજી

836
guj742018-6.jpg

રાજદ્રોહ કેસમાં પાટીદાર નેતા હાર્દિક પટેલના જામીન રદ કરાવવા સરકારપક્ષ તરફથી આજે સેશન્સ કોર્ટમાં અરજી કરવામાં આવતાં ભારે ચકચાર મચી ગઇ છે.  સેશન્સ કોર્ટે આ કેસમાં હાર્દિક પટેલ વિરૂધ્ધ નોટિસ જારી કરી કેસની વધુ સુનાવણી તા.૯મી એપ્રિલના રોજ રાખી છે. બીજીબાજુ, હાર્દિક પટેલે રાજદ્રોહ કેસમાંથી બિનતહોમત પોતાની છોડી મૂકવા અંગેની ડિસ્ચાર્જ અરજી ફગાવવાના સેશન્સ કોર્ટના નિર્ણય સામે આજે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેની સુનાવણીમાં આજે ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને નોટિસ પાઠવી છે અને કેસની વધુ સુનાવણી આગામી દિવસોમાં રાખી છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી વખતે ભાજપ સરકારને હેરાન-પરેશાન કરી નાંખનાર પાટીદાર યુવા નેતા અને પાસના કન્વીનર હાર્દિક પટેલ સામેનો હિસાબ પતાવવા સરકાર હવે મેદાને પડી હોય તેમ લાગી રહ્યું છે. હાર્દિક પટેલ સામે રામોલ પોલીસમાં નોંધાયેલી ફરિયાદમાં તેણે શરતી જામીનનો ભંગ કર્યો હોવાથી તેના જામીન રદ કરવા સામે સરકારે સેશન્સ કોર્ટમાં અરજી કરી છે. 
સરકારપક્ષ તરફથી મુખ્ય સરકારી વકીલ સુધીર બી.બ્રહ્મભટ્ટે મહત્વની દલીલો કરતાં જણાવ્યું હતું કે,  પાટીદાર અનામત આંદોલન દરમ્યાન તા.૨૦-૩-૨૦૧૭ના રોજ વસ્ત્રાલ આસ્થા બંગ્લોઝ ખાતે રહેતા ભાજપાના કોર્પોરેટર પરેશ પટેલના ઘર પર હાર્દિક પટેલ અને તેની સાથેના ૫૦ થી ૬૦ લોકોએ હુમલો કર્યો હતો. જે મામલે રામોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. આ કેસમાં આરોપી હાર્દિક પટેલે કરેલી જામીન અરજીમાં તેને રામોલ પોલીસ મથકની હદમાં નહીં પ્રવેશવાની શરતે જામીન આપવામાં આવ્યા હતા. પરંતુ હાર્દિક પટેલે જામીનની આ શરતનો સરેઆમ ભંગ કરી ગત તા. ૩જી જાન્યુઆરી ૨૦૧૮ના રોજ રામોલ વિસ્તારમાં જ ગીતાબેન પટેલનાં ઘરે ગયા હતા. આમ આરોપી હાર્દિક પટેલે કોર્ટની જામીનની શરતનો ભંગ કર્યો છે અને અદાલતી ફરમાનનું અપમાન કર્યું છે. આ સંજોગોમાં આરોપી હાર્દિક પટેલના જામીન કોર્ટે રદ કરવા જોઇએ.
પોલીસે આ મામલે હાર્દિકની સાથે રહેલા બે કમાન્ડો સાદિક ઉસ્માનભાઇ અને પ્રાગરાજસિંહ પ્રવીણસિંહના નિવેદનો નોંધી સરકારને ભલામણ કરી હતી કે, હાર્દિકે જામીનની શરતોનો ભંગ કર્યો હોવાથી તેના જામીન રદ્‌ કરવા સેશન્સ કોર્ટમાં અરજી કરવી જોઇએ. મુખ્ય સરકારી વકીલ સુધીર બી.બ્રહ્મભટ્ટે કોર્ટનું ધ્યાન દોર્યું હતું કે, હાર્દિક પટેલ જો તેને પ્રતિબંધિત કરાયેલા વિસ્તારમાં પ્રવેશે તો તે ટોળાં સાથે જઇ અથવા શક્તિ પ્રદર્શન દ્વારા સાક્ષીઓને ડરાવી ધમકાવી શકે તેમ છે અને કેસના પુરાવાઓ સાથે ચેડા કરી શકે તેવી શકયતા પણ નકારી શકાય તેમ નથી. આ સંજોગોમાં આરોપી હાર્દિક પટેલના જામીન રદ કરવા જોઇએ. 

Previous articleગ્લોબલ વોર્મિંગને કારણે કેરીના પાકને નુકસાન
Next articleનાગેશ્રી રેવન્યુ વિસ્તારમાં આગ સિંહોને સલામત સ્થળે ખસેડાયા