ભાવનગર શહેરની સરકારી સર ટી. હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને પડતી મુશ્કેલીઓ, દર્દીને પુરતી સારવાર ન મળતી હોવાની વ્યાપક ફરિયાદો સંદર્ભે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના આગેવાનો દ્વારા જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવી દર્દીઓના મૃત્યુ વધ્યા છે ત્યારે તપાસ કરવી જરૂરી છે, દર્દીની બાજુમાં કલાકો સુધી ડેડબોડી પડી રહે છે, દર્દીઓને પુરી સારવાર મળતી નથી તો તમામ દર્દીઓને તાકીદે સારવાર મળવી જોઇએ તે અંગેનું એક વિસ્તૃત આવેદનપત્ર કલેક્ટરને અપાયું હતું અને તાકીદે યોગ્ય કરવા કોંગ્રેસના આગેવાનો દ્વારા માંગ કરવામાં આવી હતી. આ વેળાએ શહેર કોંગ્રેસ સમિતીના પ્રમુખ પ્રકાશ વાઘાણી, ભાવ મ્યુના વિપક્ષના નેતા ભરતભાઇ બુધેલીયા, પૂર્વ મેયર પારૂલબેન ત્રીવેદી સહિતના કોંગ્રેસ પક્ષના આગેવાનો, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અને કલેક્ટર કચેરી ખાતે સરકારની બેદરકારી અને રિતીનીતી સામે પણ સુત્રોચ્ચાર કરાયા હતા.
કોરોના મહામારીમાં ભાવનગર સર ટી. હોસ્પિટલમાં દર્દીઓને પુરતી સારવાર મળતી નથી. મોટાભાગના દર્દીઓના સબંધી પાસેથી જાણવા મળે છે કે તેમના સ્વજન જે હોસ્પિટલમાં દાખલ છે તેમનો ફોન આવે ત્યારે એક જ રજૂઆત હોય છે કે અમોને અહીંયા હોસ્પિટલમાંથી બહાર કાઢો કારણ કે હોસ્પિટલમાં દર્દીઓને સારવાર મળતી નથી. ધ્યાન આપવામાં આવતું નથી. તાત્કાલિક ધોરણે હોસ્પિટલનું મેનેજમેન્ટ બદલવામાં આવે, દરરોજ કેટલાઇ લોકો અવસાન પામે છે. આ પ્રમાણ ઘટવું પડે અને કયા કારણસર મૃત્યુ પામે છે તેની આજ સુધી તપાસ થતી નથી. દર્દીઓની પાણીની, જમવાની અન્ય વ્યવસ્થાના અભાવ હોય છે. જે દર્દીઓ પોતાની મેળે જમી શકતા નથી જેઓને જમાડવાની કોઇ વ્યવસ્થા નથી અને પાણી-જમ્યા વિના મૃત્યુ પામે છે. અમુક દર્દી અશક્ત હોય જાતે ટોયલેટ-બાથરૂમ જવું હોય પણ જઇ શકતા નથી તેમને કોઇ ટોયલેટ-બાથરૂમ સુધી લઇ જવાવાળુ હોતું નથી અને ઘણા દર્દીઓ બેડમાં જ ટોયલેટ-બાથરૂમ કર્યાં હોય તેની સમયસર સફાઇ થતી નથી. બે-ત્રણ દિવસ સુધી એમને એમ હોય છે, તેમજ દર્દીની બાજુમાં ડેડબોડીઓ ત્રણ-ચાર કલાક સુધી પડી હોય છે તેના ભયના કારણે પણ અમુક દર્દીના મૃત્યુ થાય છે,
આ ઉપરાંત વારંવાર સીસીટીવી કેમેરાની રજૂઆત કરવા છતા આજસુધી સીસીટીવી કેમેરા નાખવામાં આવ્યા નથી તેની પાછળનું રહસ્ય શું છે તે ખબર પડતી નથી, કંટ્રોલ રૂમ કાર્યરત છે પરંતુ દર્દીઓના પરિવારજનોને સંતોષકારક જાણકારી મળતી નથી, દરરોજ દર્દીના બેડ સુધી જાય અને કોઇ મુશ્કેલી હોય તેમના ખબર અંતર પુછે તેવી વ્યક્તિને તાત્કાલિક ધોરણે મુકવામાં આવે. દરેક પરિવારજન બે દિવસે તેના પરિવારજનની રૂબરૂ મુલાકાત લઇ શકે અથવા તેમના પરિવારજનને પોતે જમાડી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવે. આ બાબત કોઇ તાકીદે પ્રશ્નોની અમલવારી કરવામાં નહીં આવે તો ના છુટકે આંદોલન કરવું પડશે. તેમજ જે લોકો પેરા મેડિકલ સ્ટાફ તેમજ સિક્યુરીટી સ્ટાફ પોતાના જીવની પરવા કર્યાં વિના અવિરત સેવા આપી રહ્યા છે તેને અલગથી સ્ટાઇફન્ડ આપવામાં આવે જેઓ રજૂઆત કરી શકતા નથી પણ સરકાર તરફથી સ્ટાઇફન્ડ આપવામાં આવે. આ બાબતે આજરોજ ભાવનગર શહેર કોંગ્રેસ સમિત્તિના આગેવાન, કાર્યકતરોએ જિલ્લા કલેક્ટરને ભારપૂર્વકની રજૂઆત કરી યોગ્ય કરવા માંગ કરી હતી. આ વેળાએ ભાવનગર શહેરના આગેવાનો, કોર્પોરેટર, શિક્ષણ સમિતિ સદસ્ય, યુથ કોંગ્રેસ, એન.એસ.યુ.આઇ., મહિલા કોંગ્રેસ તેમજ વિવિધ સેલના આગેવાન કાર્યકરોને હાજર રહ્યા હતા.