રાજ્યભરની સાથોસાથ ભાવનગર શહેરમાં પણ કોરોના મહામારીને ડામવા અવાશ્યક ચીજવસ્તુઓ સીવાયની તમામ દુકાનો બંધ રાખવાના તંત્ર દ્વારા બહાર પડાયેલા જાહેરનામાનો ભંગ કરી ખુલ્લી રખાતી દુકાનો પર કડક કાર્યવાહી કરવાના આદેશના પગલે મહાપાલિકાની ટીમ દ્વારા ચેકીંગ કરી જાહેરનામા ભંગ કરી ખુલ્લી રહેલી દુકાનો સીલ કરવામાં આવે છે. જેના ભાગરૂપે આજે શહેરના મુખ્ય બજાર સહીતના વિસ્તારોમાંથી ૬ દુકાનોને સીલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.છેલ્લા એક અઠવાડીયાથી શહેરમાં જાહેરનામાનો ભંગ કરી અડધા શટરે ૬૦થી વધુ દુકાનો ખોલી ધંધો કરતા વેપારીઓ સામે દુકાનો બંધ કરાવી કાર્યવાહી કરવા માટે મહાપાલિકાની ટીમ દ્વારા ચેકીંગ કરાઈ રહ્યું છે. જેના ભાગરૂપે દરરોજ આઠ થી દસ દુકાનો સીલ કરાઈ રહી છે જેમાં આજે શહેરના એમ.જી.રોડ, આંબાચોક, સાંઢીયાવાડ, પીરછલ્લા તેમજ હાઈકોર્ટ રોડ બરફવાળો ખાચો સહિતના વિસ્તારોમાં ખુલ્લી રહેલી કોમ્પ્યુટર, ચશ્મા, રેડીમેઈડ, મ્યુઝીક તેમજ કટલેરી સહિતની ૬ દુકાનોને સીલ મારી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.