બજારમાં અત્યારે રૂા. ૯૦ ની કિંમતે મળતું નારિયેળ રૂા. ૩૦ ના ભાવે મળે ત્યાં સુધી આ ‘સ્વાર્થ વગરનો પરમાર્થ’ ચલાવવાનો નિર્ધાર- જયદેવભાઇ ત્રિવેદી કોરોના કપરાં કાળમાં રોગપ્રતિકાર શક્તિ મહત્વની ભૂમિકા ભજવે છે. જે લોકોની રોગપ્રતિકાર શક્તિ સારી હોય છે, તેઓ ખૂબ ઝડપથી કોરોનાને મ્હાત આપીને બેઠાં થાય છે. એટલે જ આપણે ત્યાં કોઇપણ પ્રકારના બિમાર દર્દીઓને નારિયેળ પાણી આપવામાં આવતું હોય છે. અત્યારે ગરમી છે અને નારિયેળની સિઝન પણ નથી તેથી પાણીવાળા નારિયેળના ભાવ પણ રૂા. ૧૦૦ જેટલાં ઉંચા છે.
આવા સમયે કોરોનાથી સંક્રમિત થયેલાં બધાં લોકો માટે તે ખરીદવું શક્ય બનતું હોતું નથી. તેથી આવા દર્દીઓની રોગપ્રતિકાર શક્તિ વધે તે માટે ભાવનગરમાં અગરબત્તી અને પરફ્યૂકમનો ધંધો કરતાં ધંધાર્થી એવાં જયદેવભાઇ ત્રિવેદીએ કોરોનાના દર્દીઓને તેમના ઘર આંગણે નારિયેળ પાણી પહોંચાડીને ‘સેવાની સુવાસ’ ફેલાવી રહ્યાં છે.
વર્તમાનમાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને કોરોનાના દર્દીઓ માટે કંઇક કરી છૂટવાની મહેચ્છા સાથે ૧૦૦ દર્દીઓ સાથે શરૂ કરેલો સેવાયજ્ઞ આજે ૮૦૦ નારિયેળ પાણીની બોટલ સુધી પહોંચ્યો છે.
જે કોરોનાના દર્દીઓ આ નારિયેળ પાણીની સેવા મેળવવાં માંગે છે. તેઓ જયદેવભાઇને તેમના મો.નં. ૬૩૫૭૬ ૭૫૫૫૫ પર સવારે ૧૧.૦૦ વાગ્યા પહેલા દર્દીનું નામ, નંબર અને સરનામું જણાવે એટલે જયદેવભાઇ અને તેમની સાથે કાર્ય કરતાં ૮ સ્વયંસેવકોની ટીમ સાંજ સુધીમાં તેમના ઘરઆંગણે નારિયેળ પાણીની બોટલ પહોંચાડી દે છે.
લુહાર જ્ઞાતિની વાડી, લેપ્રસી હોસ્પિટલ સહિત ભાવનગર શહેરમાં તેઓ અત્યાર સુધી દરરોજ ૪૫૦ નારિયેળ પાણીની બોટલ પહોંચાડતાં હતાં. તેઓએ આ ઉપરાંત જરૂરિયાતને ઓળખીને ભાવનગરથી ૪૦ કિ.મી. દૂર આવેલાં ચોગઠ ગામ સુધી આ બોટલો પહોંચાડી છે.
બે દિવસથી તેમણે સર ટી. હોસ્પિટલમાં દાખલ દર્દીઓ માટે પણ ૪૦૦ જેટલી નારિયેળ પાણીની બોટલ પહોંચાડવાનું શરૂ કર્યું છે. દર્દીઓ સાથે તેઓ દર્દીઓની સેવામાં રોકાયેલાં ફ્રન્ટલાઇન કોરોના વર્કર્સ અને તેની સાથે દર્દીઓના સગાં-વ્હાલાઓની સેવામાં રોકાયેલાં લોકોને પણ આ નારિયેળ પાણીની બોટલ પહોંચાડી તેમની પણ રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કાર્ય કરે છે.
આજથી તેમણે ૧૦૮ માં કાર્યરત ૪ થી ૪૫ લોકોને પણ આ નારિયેળ પાણી આપવાનું ચાલૃં કર્યું છે.તેમની સાથે પ્રકાશભાઇ, ઉદયભાઇ, શોભાબેન, રવિભાઇ, વિશાલભાઇ, ભાર્ગવભાઇ, યોગેશભાઇ, ચેતનભાઇ, ભૂપેન્દ્રભાઇ પણ તેમની આ સેવામાં સહકાર આપી રહ્યાં છે. તેમના મોટાભાઇશ્રી યોગેશભાઇ ત્રિવેદીની પ્રેરણા અને માતા-પિતાના આશિર્વાદ સાથે આ સેવા યજ્ઞ ચાલી રહ્યો છે.