ખોડલધામના ચેરમેન નરેશ પટેલના રાજીનામા અને તેને પાછુ ખેંચી લેવાના છેલ્લા ત્રણ દિવસના ઘટનાક્રમ બાદ આજે ખુદ ચેરમેન નરેશ પટેલ અને ખોડલધામના આગેવાનો એક મંચ પર સાથે આવી પત્રકાર પરિષદને સંબોધી હતી અને સમગ્ર ઘટનાક્રમ અંગે ખુલાસા કર્યા હતા. ખાસ કરીને ખોડલધામના ચેરમેન નરેશ પટેલે પોતાના રાજીનામા અંગે સ્પષ્ટ પણે ખુલાસો કર્યો હતો કે, તેમને કોઇની સાથે વાદ-વિવાદ નથી, તેમણે કોઇની સાથેના આંતરિક કલહના લીધે નહી પરંતુ પર્સનલ કારણોસર અને વ્યકિતગત જીવનને ધ્યાનમાં લઇને પોતાનું રાજીનામું આપ્યું હતું. જો કે, તેમના રાજીનામાથી રાજયભરમાં મચેલા ઉહાપોહ અને પાટીદાર સંસ્થાઓમાં એક પછી એક રાજીનામાં પડતા પરિસ્થિતિની ગંભીરતા અને ખોડલધામના હોદ્દેદારો-વિદ્યાર્થીઓની લાગણીને માન આપી તેમણે પોતાનું રાજીનામું પાછુ ખેંચી લીધું છે.
નરેશ પટેલે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે, પરેશ ગજેરા પર તેમના રાજીનામાને લઇ જે ગંભીર આક્ષેપો થયા હતા, તે બિલકુલ ખોટા છે. પરેશ ગજેરા તેમના નાના ભાઇ જેવા છે અને પાટીદાર સમાજના અગ્રણી સભ્ય છે, તેની સાથે કે અન્ય કોઇ સાથે તેમને કોઇ મનદુઃખ નથી પરંતુ, તેમના વ્યકિતગત જીવનમાં સમય નહી ફાળવી શકાતો હોઇ તેમ જ તેમના બિઝનેસ અને અન્ય સંસ્થાઓ માટે તેઓ જે વિકાસ કાર્ય કરવા ઇચ્છે છે તે માટે સમય નહી મળી શકતો હોઇ તેઓ સ્વૈચ્છિક રીતે નિવૃત્તિ લેવા માંગતા હતા અને તે કારણથી જ તેમણે ચેરમેનપદેથી રાજીનામું આપ્યું હતું. હાર્દિક પટેલ દ્વારા ખોડલધામ ટ્રસ્ટનું ભગવાકરણ થઇ ગયું છે અને નરેશ પટેલ સાથે દગો થયો છે તે મતલબના હાર્દિક પટેલ દ્વારા કરાયેલા ટવીટ્ અંગે પ્રતિક્રિયા આપતાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલે જણાવ્યું કે, લોકશાહીમાં બધાને બોલવાની સ્વતંત્રતા છે પરંતુ જે આક્ષેપો છે તેવું વાસ્તવમાં કંઇ છે નહી. ટ્રસ્ટ કોઇપણ રાજકીય પક્ષને સમર્થન આપતું નથી. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે, ગત વિધાનસભા ચૂંટણી દરમિયાન થયેલા વિવાદ અને ગેરસમજને ધ્યાનમાં લેતા ખોડલધામ દ્વારા એક કમિટી બનાવવામાં આવશે. આ કમિટી આગામી સમયમાં આવી રહેલી લોકસભા ચૂંટણી તેમજ અન્ય ચૂંટણીમાં ખોડલધામના ટ્રસ્ટીઓ, ટ્રસ્ટ તેમજ અન્ય લોકોએ કઈ રીતે વર્તવું તેની નીતિ નક્કી કરશે. તેમના રાજીનામા અંગે તેમણે જાહેરમાં કોઇ ફોડ ના પાડયો તે તેમની ભૂલ હતી. જો કે, ભવિષ્યમાં આ બધી બાબતોનું ધ્યાન રાખવાની તેમણે તત્પરતા દર્શાવી હતી. સાથે સાથે તેમના વ્યકિતજીવન અને સમયની વ્યસ્તતાને લઇ ખોડલધામના ટ્રસ્ટીઓને તેમને વેળાસેર ચેરમેનપદની સેવામાંથી નિવૃત્ત કરવા પણ અનુરોધ કર્યો હતો.