આજે અખાત્રીજના એટલે ભાવનગર જન્મદિવસ આજે ભાવનગર ૨૯૮ વર્ષ પુરા કરીને ૨૯૯માં વર્ષમા પ્રવેશી રહ્યું છે. અહીંના રાજવીઓ દીઘર્દ્રષ્ટિ વાળા હોવાના કારણે આજે પણ પ્રજા લોકશાહી દેશમાં રાજાશાહીના સમયને યાદ કરે છે. દેશના વિલીનીકરણના સમયે ભાવનગરના રાજવી કૃષ્ણકુમારસિંહજીએ પોતાનું ગોહિલવાડ રાજ્ય સરદારપટેલના ચરણોમાં અખંડ ભારત બનાવવા માટે ધરી દીધુ હતું. જે ઘટના આજે ઇતિહાસના પાનામાં સુવર્ણ અક્ષરે લખાયેલી છે. ભાવનગરની સ્થાપના ઠાકોર ભાવસિંહજી રતન સિંહજી ગોહિલે અખાત્રીજના પરમ પવિત્ર દિવસે કરી હતી. આજનું જે ગોળ બજાર છે ત્યાં થાંભલી રોપી આસોપાલવનું તોરણ બાંધ્યું. ભાવનગરના પાદર દેવકી તરીકે મેલડી માતાજીનું મંદિર પાદર દેવકી વડવા ખાતે છે.
અહીં રૂવાપરી માતાજી પૂર્વ દિશામાં દરિયા કિનારે બેઠા છે તો ગોહિલવાડના સહાયક દેવી તરીકે શ્રી ખોડિયાર માતાજી રાજપરા ગામે બિરાજમાન છે. આવા સુંદર મુહર્ત ભાવનગરની સ્થાપના કરવામાં આવી હતી. તે સમયે સમગ્ર વડવા ગામનો ગામ ધુમાડો બંધ કરી લાપસી તથા મગનું ભોજન કરાવવામાં આવ્યું.ઠાકોર ભાવસિંહજી રતનસિંહજીએ ભાવનગરની સ્થાપના કરી અને તેઓના નામ પરથી ભાવનગર એવું નામ રખાયું હતું. સિહોરથી રાજગાદી બદલી ખંભાતના અખાત ઉપર વડવા ગામ નજીક સ્થળ પસંદ કરવામાં આવ્યું. મરાઠા સરદાર પિલાજી ગાયકવાડ અને કંથાજી કદમ બાંડે સૌરાષ્ટ્ર પર ચડી આવ્યા હતા. આ સમયે ઘમાસાણ યુદ્ધ થયું અને ખંડણી વગર જ પરત ચાલ્યા ગયા.
આથી ભવિષ્યમાં આ તકલીફથી બચવા નવી રાજધાની માટે ભાવનગરની જગ્યા પસંદ કરવામાં આવી હતી તેમ ઇતિહાસવિદોનું માનવું છે. આજે ભાવનગરના ૨૯૯માં જન્મ દિવસની ભાવેણાવાસીઓએ હાલની મહામારીને ધ્યાને લઇ ઘરે રહી સાદગીપૂર્વક ઉજવણી કરી હતી.