અરબ સાગરમાં લો પ્રેશર સાયકલોનમાં પરિણમે તો ‘‘તોકતે‘‘ વાવાઝોડુ બનશે જેની કચ્છ તેમજ સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં અસર થવાની સંભાવના છે, ભારતના હવામાન ખાતાના જણાવ્યા અનુસાર અરબ સાગરમાં સર્જાયેલું લો પ્રેશર આગામી ૨૪ કલાકમાં વાવાઝોડામાં પરિવર્તિત થવાની સંભાવના છે.ત્યારે ભાવનગર જિલ્લાના ઘોઘા બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે, ઘોઘા ખાતે ૧ નંબર નું સિગ્નલ લગાડવાથી માછીમારોને દરીયામાં ન ખેડવાની સૂચનાઓ આપવામાં આવે છે, ૬૦ કિમીની ઝડપે પવન ફૂંકાતા સાવધાન રહેવા માટે આપવામાં આવે છે, સુરક્ષા માટે તંત્ર દ્વારા તૈયારીઓ પણ કરવામાં આવી છે.સંભવિત વાવાઝોડાના પરિણામ કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા અને વ્યાપક અસર થઇ શકે તેમ છે જેને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્રને એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે ભાવનગર જિલ્લાના ઘોઘાના દરિયાકાંઠે પણ ઘોઘા મામલતદાર એ.આર.ગઢવી સહિતના સ્ટાફ દ્વારા ઘોઘા જેટી પર આગોતરા આયોજનના ભાગરૂપે સલામતીના પગલાં ભરવા કોવિડ પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને કુદરતી આપત્તિઓમાં બચાવ કામગીરી કરવા માટે આપદા મિત્ર ,સાગર રક્ષક દળ સહિતના સ્ટાફને સતર્ક રહેવા સૂચનાઓ આપી દેવામાં આવી હતી.ઘોઘા મામલતદાર દ્વારા સલામતીના પગલા ભરવા કોવિડ પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને કાર્યવાહી શરૂ કરી દેવાઇ છે અને કુડા ગામના દરિયાકિનારે આપદા મિત્રો અને સાગર રક્ષક દળના જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા છે, તેમજ કુડા ગામના દરિયાકિનારા પર વસતા લોકોને એલર્ટ કરી તમામ પ્રકારના તકેદારીના પગલા લેવામાં આવી રહ્યા છે.