સરકારના કાયદા કરતાં પણ ઉંચી ફી જાહેર કરાઈ : ૫૩ શાળાઓની પ્રોવીઝનલ ફી જાહેર થઇ : વાલીમાં રોષ

967
guj742018-5.jpg

ગુજરાત સ્વનિર્ભર શાળા ફી અધિનિયમ(કાયદા)નો સમગ્ર મામલો હાલ સુપ્રીમકોર્ટમાં પડતર છે ત્યારે શાળા સંચાલકો અને વાલીઓ વચ્ચેની ફી મુદ્દે ચાલી રહેલી ધમાસાણ લડાઇ વચ્ચે આજે અચાનક ફી નિર્ધારણ સમિતિ દ્વારા પ્રારંભિક તબક્કામાં ૫૩ જેટલી સ્વનિર્ભર શાળાઓમાં પ્રોવીઝનલ ફી એટલે કે, કામચલાઉ ફીનું માળખું જાહેર કરી દેવાયું છે. જેમાં અમદાવાદ શહેર અને ગ્રામ્યની ૩૭ જેટલી શાળાઓનો પણ સમાવેશ થાય છે. જો કે, અંતિમ ફી સુપ્રીમકોર્ટના ચુકાદાને આધીન રહેશે.
 જો કે, સૌથી આઘાતજનક અને ચોંકાવનારી વાત એ છે કે, ફી નિર્ધારણ સમિતિ દ્વારા નક્કી કરાયેલી પ્રોવીઝનલ ફી રાજય સરકાર દ્વારા ફી નિયમન કાયદામાં નક્કી કરાયેલી ફી કરતાં પણ અતિશય વધારે અને બેથી ચાર ગણી નક્કી કરવામાં આવી છે. ફી નિર્ધારણ સમિતિ દ્વારા જાહેર કરાયેલા ફી માળખાને લઇ એકબાજુ શાળાં સંચાલકો પોતાનું ધાર્યું કરાવવામાં જાણે સફળ થયા હોય તેવું ચિત્ર સામે આવ્યું છે, તો બીજીબાજુ, સમગ્ર રાજયના વિદ્યાર્થીઓ અને વાલીઓમાં એફઆરસીના આવા નિર્ણયને લઇ ઉગ્ર આક્રોશ ભભૂકી ઉઠયો છે. 
ગુજરાત સરકાર દ્વારા અમલી બનાવાયેલા ફી નિયમન કાયદામાં ફીનું માળખું રૂ.૧૫ હજાર, રૂ.૨૫ હજાર અને રૂ.૩૦ હજારના સ્લેબમાં નક્કી કરવામાં આવ્યું હતું. જો કે, આટલી ઓછી ફીને લઇ શહેર સહિત રાજયના સ્વનિર્ભર શાળા સંચાલકો નારાજ થયા હતા અને તેમણે સરકારના ફી નિયમન કાયદાની કાયદેસરતાને ગુજરાત હાઇકોર્ટમાં પડકારી હતી. પરંતુ હાઇકોર્ટે સંચાલકોની અરજી ફગાવી દઇ તેઓને કોઇ રાહત આપી ન હતી અને સરકારના ફી નિયમન કાયદાને બહાલી આપી હતી. જેથી નારાજ શાળા સંચાલકો સુપ્રીમકોર્ટમાં ગયા છે, જયાં સુપ્રીમકોર્ટે શાળા સંચાલકોની દરખાસ્ત પરત્વે પ્રોવીઝનલ ફી નક્કી કરવા અંગે ફી રેગ્યુલેશન કમીટીને નિર્દેશ કર્યો હતો. જો કે, ફી મુદ્દે અંતિમ નિર્ણય સુપ્રીમકોર્ટના ચુકાદાને આધીન રહેશે તે પણ સુપ્રીમકોર્ટે સ્પષ્ટ કર્યું હતું. દરમ્યાન આજે ફી નિર્ધારણ સમિતિ દ્વારા ૫૩ જેટલી સ્વનિર્ભર શાળાઓમાં ફીનું માળખુ જાહેર કરાયું હતું, 
જેમાં આ શાળાઓની પ્રોવિઝનલ ફી ૧૭ હજારથી માંડીને ૮૨ હજાર સુધી નક્કી કરવામાં આવી હતી. સરકારના ફી નિયમન કાયદાથી પણ બેથી ચાર ગણી વધારે પ્રોવીઝનલ ફી સાંભળી અમદાવાદ શહેર સહિત રાજયભરના વાલીઓ તો જાણે ચક્કર ખાઇ ગયા છે. વાલીઓ તો ઉંડા આઘાતમાં ગરકાવ થઇ ગયા છે અને ઉગ્ર આક્રોશ સાથે એવી વેદના ઠાલવી રહ્યા છે કે, એફઆરસી સંચાલકોની છે કે, નિર્દોષ વિદ્યાર્થીઓના હિત માટેની. એફઆરસી જો સરકારના ફી નિયમન કાયદાને પણ ઘોળીને પી જતી હોય તો એનો અર્થ કે, એફઆરસી તો શાળા સંચાલકોના પ્રભાવ અને દબાણ હેઠળ જાણે કામ કરી રહી છે. વાલીઓના આ ગંભીર આક્ષેપોને લઇ ગુજરાત સરકાર પણ મૂંઝવણમાં મૂકાઇ ગઇ છે. એફઆરસીના આ પ્રકારના ઉંચા અને અસહ્ય ફી વધારા ઝીંકતા પ્રોવીઝનલ ફીના માળખાને લઇ રાજયભરના વાલીઆલમમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. આગામી દિવસોમાં આ અંગે વાલીઓ વિરોધ કાર્યક્રમો રજૂ કરવાની કવાયત શરૂ કરી દીધી છે. 

Previous articleઅંગત કારણોસર રાજીનામું આપ્યું હતુ : નરેશ પટેલ
Next articleતમામ પ્રાથમિક શાળાઓમાં વર્ચ્યુઅલ કલાસરૂમ શરૂ કરાશે : CM રૂપાણી