શહેર જિલ્લામાં હજારો વૃક્ષો અને વિજપોલ ધરાશાયી થયા : મકાનોના છાપરાં ઉડ્યા, હોર્ડીંગ્સ પડ્યા, વિજ વાયરો રસ્તા વચ્ચે વેરણ છેરણ થયા : જાનમાલને મોટું નુકશાન ટળ્યું
સોમવારે મોડી સાંજથી ભાવનગરને સ્પર્શેલા તાઉ તે વાવાઝોડાએ મંગળવારે સાંજ સુધીમાં શહેર જિલ્લામાં જાણે કે ધમાસાણ મચાવ્યું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું હતું.
ભાવનગર શહેર અને જિલ્લામાં સતત ચોવીસ કલાક સુધી વરસાદ શરૂ રહ્યો હતો. અને ચોમાસામાં પડે તેના કરતા પણ વધુ વરસાદ ભાવનગર શહેર અને પાલિતાણા, ઉમરાળા પંથકમાં પડ્યો હતો. વાવાઝોડાના પગલે ભાવનગર શહેર અને જિલ્લામાં ૫ હજારથી વધુ વૃક્ષો ધરાશાયી થયા હોવાના ઉપરાંત બે હજાર જેટલા વિજપોલ પડ્યા હોવાના પ્રાથમિક અહેવાલો પ્રાપ્ત થઇ રહ્યા છે. આ ઉપરાંત અસંખ્ય મકાનોના છાપરા ઉડવા સાથે હોર્ડીંગ્સ અને બેનરો ઉડ્યા હતા. જ્યારે રસ્તાઓ ઉપર વિજ વાયરો વેરણ છેરણ બન્યા હતા. અને તેના કારણે લગભગ સમગ્ર જિલ્લામાં વિજ પુરવઠો બંધ થઇ જવા પામ્યો હતો. વાવાઝોડાના કારણે મોટું આર્થિક નુકશાન થવા પામ્યું છે જો કે, જાનમાલને મોટું નુકશાન વહિવટી તંત્રના આગોતરા આયોજનના કારણે અટકાવી શકાયું હતું.
તાઉ તે ચક્રવાતે જનજીવનને બાનમાં લઈ લીધું હતું . જેથી મિની લોકડાઉનમાં પણ ધબકતું ભાવનગરનું જનજીવન થંભી ગયું હતું . સવારથી સાંજ સુધી જાણે ટૌટેનું લોકડાઉન જાહેર થયું હોય તેમ રસ્તાઓ પર એકલ – દોકલ લોકો જ નજરે ચડ્યા હતા . દુકાનોના તો શટર જ ઉઘડ્યાં ન હતા. ભાવનગરમાં ટૌટે વાવાઝોડાની અસરને કારણે ગત રાત્રિથી જ તોફાની પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. રસ્તાઓ પર તોતિંગ વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા.
ઘરના નળિયા, પતરા, બારીના કાચ વગેરે જાણે પ્લાસ્ટીકના ઝબલા હોય તેમ હવામાં ઉડ્યા હતા. રાત્રિથી શરૂ થયેલા તોફાની પવન સાથેનો વરસાદ દિવસભર શરૂ રહેતા લોકોએ ઘરમાં જ રહેવું સુરક્ષિત સમજી બહાર નીકળવાનું ટાળ્યું હતું . બહાર જીવનો જોખમ હોવાથી દુકાનો પણ બંધ રહી હતી. તો કેટલીક કંપનીઓમાં વાવાઝોડાને પગલે કર્મચારીઓને રજા જાહેર કરી દેવામાં આવી હતી. આમ, ટૌટેએ જાન – માલની તારાજી તો સર્જી હતી, પરંતુ આર્થિક રીતે પણ લોકોની કમરતોડી હતી.
જિલ્લા કલેક્ટરની આગેવાની હેઠળ ભાવનગર શહેર અને જિલ્લામાં તમામ સરકારી એજન્સીઓ દ્વારા વાવાઝોડા દરમિયાન ખડેપગે રહી સતત કામગીરી કરી હતી.
આ ઉપરાંત રાજ્યમંત્રી સહિત રાજકીય આગેવાનો દ્વારા પણ વાવાઝોડા દરમિયાન સતત નિગરાની રાખી જરૂરી સુચનાઓ આપવા સહિતની કામગીરી કરવામાં આવી હતી. અને અગાઉથી જ અસરગ્રસ્ત હોય તેવા લોકોને સ્થળાંતર કરાવવામાં આવ્યું હતું. જ્યારે વાવાઝોડ દરમિયાન પડેલ વૃક્ષો અને વિજપોલ હટાવવાની કામગીરી પણ તુરંત શરૂ કરી દેવામાં આવી હતી. અને તેના કારણે ભાવનગર ઉપર આવેલી વાવાઝોડા રૂપી આફત ઓછી નુકશાનકારક સાબિત થવા પામી હતી.