લગ્નમાં ચકલી પ્રેમ : પાલનપુરના પરિવારે બનાવડાવી અનોખી કંકોત્રી

1371
gandhi942018-1.jpg

પાલનપુર સેવાનું કાર્ય લોકો કઇને કઇક રીતે કરી પૂણ્ય કમાતા હોય છે. ત્યારે પાલનપુરના એક પરિવારે પોતાના દીકરાના લગ્નમાં ચકલીનો માળો કમ કંકોત્રી બનાવી છે. આ કંકોત્રી વાંચીને ઘરની બહાર ચકલીના માળા માટે ઉપયોગમાં લઇ શકાય છે. આમ આ પરિવાર દ્વારા આમંત્રણમાં જીવદયાનો ‘માળો’ આપવામાં આવ્યો છે. જે સમાજ માટે અનોખી પહેલ કરી છે.
જીવદયા પ્રેમીઓ જીવદયા માટે વિવિધ રીતે સેવા કરતા હોય છે. જેથી પશુ-પંખીઓ બચી શકે. ત્યારે પાલનપુરના ખોડીયાર મંદિરથી આગળ, અમીરબાગ રોડ ઉપર રહેતાં રાજુભાઇ છોટાભાઇ ગેહલોતએ પોતાના દીકરાના લગ્ન પ્રસંગે અનોખી લગ્ન કંકોત્રી છપાવી છે. જેમાં ચકલીનો માળો કમ કંકોત્રીનું કામ થયું છે. આ અંગે રાજુભાઇ ગેહલોતને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, ‘અમારો દીકરો પલાસ જેના ૧૮ માર્ચના રોજ લગ્ન છે તે અંદાજે ચાર વર્ષ પહેલાં તેની કોલેજમાંથી ચકલીનો માળો લાવ્યો હતો. જે ઘર આગળ લટકાવતાં બે ચકલીઓએ માળો બનાવ્યો હતો.
જો કે માળો થોડા સમય પહેલાં તૂટી ગયો હતો. ત્યારે લગ્ન પ્રસંગે કંકોત્રી એવી આપીએ કે લોકોને તેનો ઉપયોગ કરે ફાડીને ફેંકી ન દે. ત્યારે મારી પત્નીને મનમાં વિચાર આવ્યો કે આવા ચકલીના માળા ઉપર કંકોત્રી છપાવી આપીએ. જેથી લોકો પોતાના ઘરની આગળ માળો બાંધશે, ચકલીઓને આશ્રય મળશે અને વિલુપ્ત થયેલી ચકલીની જાતિ બચી શકશે. જેથી માળા જેવી વિશેષ કંકોત્રી છપાવી છે. જો કે આ કંકોત્રી આપવા જતાં લોકો પણ સારો અભિગમ અપનાવ્યો તેમ કહી આવકારી રહ્યા છે.’ આમ આમંત્રણ સાથે જીવદયાનો ‘માળો’ અપાયો છે.
આ કંકોત્રીમાં લોકોને વૃક્ષએ દુનિયાના સૌથી મહાન ઋષિ છે તેમ કહી વૃક્ષનું મહત્વ સમજાવ્યું છે. જેમાં આપણા ઘરના આંગણે, ફાર્મ હાઉસ, ખેતરમાં, સ્કૂલના મેદાનમાં, ધાર્મિક સ્થળ પર કે જાહેર જગ્યામાં ઔષધી કે ફળના વધુમાં વધુ વૃક્ષ ઉગાડીને આપણી જાતને ધન્ય માનીએ. તેમજ પાણી માટે હવે આપણે પાણી નહીં બચાવીએ તો વિશ્વ યુદ્ધ પાણી માટે થશે તેમ પાણીનું મહત્વ પણ સમજાવ્યું છે. જેમાં વરસાદી પાણીની બચત કરવી જોઇએ. આમ વૃક્ષ અને પાણીનું મહત્વ પણ સમજાવ્યું છે.

Previous articleતમામ પ્રાથમિક શાળાઓમાં વર્ચ્યુઅલ કલાસરૂમ શરૂ કરાશે : CM રૂપાણી
Next articleસિવિલમાં વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી કરાઇ