ભાવનગર શહેર-જિલ્લામાં તાઉ-તે વાવાઝોડાના પગલે સતત ત્રીજા દિવસે પણ વીજ પુરવઠો કાર્યરત થઇ શકયો ન હતો શહેરના કેટલાક વિસ્તારોમાં છેલ્લા ૭૨ કલાકથી વધુ સમય જતાં પણ વીજ પુરવઠો ન આવતાં લોકો અકળાયા હતા અને પીજીવીસીએલ કચેરી રજૂઆત કરવા દોડી જતા અધિકારીઓએ પોલીસ બોલાવવાની ધમકી આપી રહ્યા છે હવે આ પરિસ્થિતિમાં લોકો જાય તો જાય કહા તેવી વિકટ પરિસ્થિતિમાં મુકાયા છે,તાઉ તે વાવાઝોડું ભાવનગર શહેર માથી પસાર થયે ૭૨ કલાક કરતાં વધુ સમય પસાર થઈ ગયો છે આમ છતાં શહેરમાં વીજપુરવઠો બહાલ કરવામાં પીજીવીસીએલ તંત્ર સરેઆમ નિષ્ફળ નિવડ્યુ છે અનેક વિસ્તારોમાં જમીનદોસ્ત થયેલા વિજપોલ તથા મોટી દુર્ઘટના ની રાહ જોઈ રહેલ નતમસ્તક વિજપોલ તથા જીવંત વિજપ્રવાહ ધરાવતા વાયરો ને પગલે વાહન ચાલકો રાહદારીઓ પર દુર્ઘટના ની તલવાર સતત તોળાઈ રહી છે.
આજે તંત્ર પાસે આલા દરજ્જાના સાધનો-ઉપકરણો તથા અધતન પ્રશિક્ષિત ટીમ મોજૂદ હોવા છતાં ૭૨ કલાક પુરા થવા છતાં તંત્ર રહેણાંકી વિસ્તારમાં વિજપુરવઠો પૂર્વવત કરી શકયૂ નથી પરિણામે વિજળી વિના લોકો ની હાલત અત્યંત કફોડી બની છે એક તરફ “કોરોના” મહામારીનો વિષમ કાળ ચાલી રહ્યો છે શહેરમાં વિજળી એ અનિવાર્ય જરૂરિયાત ગણવામાં આવે છે એ સમયે વિજળી વિના રહેવું એ ખરેખર કોઈ “દોઝખ” થી કમ નો અહેસાસ બિલકુલ નથી.ભાવનગર શહેરમાં વાવાઝોડું દાખલ થાય એ પૂર્વ વિવિધ સરકારી તંત્ર દ્વારા હેલ્પલાઈન નંબરો જાહેર કર્યા હતા જેમાં પીજીવીસીએલ તંત્ર દ્વારા પણ આપાતકાલિન સેવા માટે શહેરના વિવિધ ડીવીઝનના જે નંબરો વાવાઝોડા સમયે કે હાલમાં આ નંબરો શોભાના ગાંઠીયા સમાન સાબિત થયા છે એક પણ નંબર પર ગ્રાહકોને ઉચિત ઉત્તર કે મદદ યોગ્ય સમયે મળી નથી અધિકારી ઓએ યોગ્ય જવાબ સુધ્ધાં આપવાની તસ્દી લીધી નથી! ઈજનેરો ના નંબરો બંધ અથવા આઉટ ઓફ રીચ ની કેસેટો વાગે છે ત્યારે કંમ્પ્લેઇન સેન્ટરો પર ગ્રાહકો ફરિયાદ નોંધાવવા પહોંચી રહ્યાં છે ત્યારે અધિકારીઓ ટોળાને નિહાળી ને ઘરે જતાં રહેવા જણાવે છે અને જવાબો આપી પોલીસની ગાડી બોલાવી કેસમાં ફિટ કરી દેવાની ધમકી ઓ આપી રહ્યા છે!
શહેરના જવાહર મેદાન પાછળ આવેલ સિંધી વસાહતમાં વિજ કંમ્પ્લેઇન માટે ગયેલાં લોકોને પીજીવીસીએલના અધિકારીઓ એ રીતસર ધમકાવ્યા હતાં અને પોલીસ કેસની ધમકી આપી હતી એજ રીતે ચિત્રા-સિદસર રોડપર આવેલ માધવાનંદ પાકૅમા ૪૮ કલાક કરતાં વધુ સમયથી લાઈટ ગુલ છે, ફૂલસર વિસ્તારમાં આવેલી ૐ નમઃશિવાય સોસાયટીમાં ૭૨ કલાક થી વિજ પુરવઠો બંધ રહેતાં આજરોજ સ્થાનિકો એકઠા થયા હતા અને કોર્પોરેટરો પીજીવીસીએલના અધિકારીઓ અને રાજકીય અગ્રણીઓ પર પ્રેશર લાવતાં તંત્રના અધિકારીઓ પહોંચ્યા હતાં અને સમારકામની કામગીરી હાથ ધરી હતી.શહેરના પોશ એરિયા તરીકે પ્રખ્યાત હિલડ્રાઈવ, ફૂલવાડી, ભાંગલી ગેટ વિસ્તારમાં ધનાઢ્યો એ રાત્રે જ ઉચ્ચ અધિકારીઓ રાજકીય નેતાઓ ને ફરિયાદો કરતાં આ વિસ્તારમાં મધરાતે કામગીરી કરવા તંત્ર દોડી ગયું હતું પરંતુ પછાત વિસ્તારમાં રહેતા લોકો ને તંત્ર જાણે ઘોળીને પી ગયું હોય તેમ આ લોકો ની ભાજી-મૂળામાં ગણતરી કરી રહ્યા છે…!
તંત્ર સમયસર અને ક્ષતિરહિત વિજ પુરવઠો આપવામાં અકોણાઈ શા માટે કરી રહ્યું છે લોકો પુરેપુરા નાણાં ભરે છે તો એ પ્રમાણે સેવા આપવામાં આડોડાઈ શા માટે એવાં સવાલો લોકો કરી રહ્યા છે.જયશ્રીબેન એ જણાવ્યું હતું કે અમારા ઘર થી પાછળના ભાગમાં લાઈટ રીપેરીંગ કરવા આવ્યા હતા, અમે ચારથી પાંચ વખત રજૂઆત કરવા છતાં એક પણ વખત રીપેરીંગ કરવા આવ્યા નથી આજે સવારે પીજીવીસીએલ ફોલ્ટ સેન્ટર ખાતે રજૂઆત કરવા આવ્યા તો પોલીસ બોલાવવાની ધમકી આપી રહ્યા છે કોર્પોરેટરને ફોન કર્યો તો કહે કે આ મારો વિષય નથી?હરેશભાઇ જણાવ્યું હતું કે અમે નવાપરા મફતનગર વિસ્તારમાં રહીએ છીએ જયારે તોઉ-તે વાવઝોડાને કારણે વરસાદ શરૂ થયો ત્યારે થી એટલે કે સોમવારથી લાઇટ બંધ છે અને જ્યારે પણ પીજીવીસીએલ ના ફોલ્ડ સેન્ટર પર આવીને ફરિયાદ કરીએ તો કે હમણાં બે કલાક..ચાર કલાક છ કલાકમાં આવે છે.
ત્રણ ત્રણ દિવસ થયા છતાં એક પણ કર્મચારી ડોકાયા નથી…..? અને રજૂઆત કરવા જઈએ તો કે આ અધિકારીનો નંબર આપે પણ જવાબ દેવા તૈયાર નથી અને બધા રહીશો રજૂઆત કરવા આવ્યા તો પોલીસ બોલાવવાની ધમકી આપી રહ્યા છે,ભાવનગર પીજીવીસીએલના ડેપ્યુટી સર્કલ એન્જિનિયર જે.સી ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે ભાવનગર શહેર-જિલ્લામાં કુલ ૩૧૯ ઈલેક્ટ્રીક વીજ ટ્રાન્સફોર્મર ડેમેજ થયા છે, જેમાં શહેર વિસ્તારમાં ૧૪ અને ગ્રામ્ય વિસ્તારમાં ૩૦૫ ટ્રાન્સફોર્મરને નુકસાન થયું છે, હાલ શહેર-જિલ્લામાં વીજ જોડાણ પુનઃહ કાર્યરત કરવા માટે ભાવનગર પીજીવીસીએલની ટીમ આજ સાંજ સુધીમાં પહોંચશે, વાવાઝોડાના કારણે ઈલેક્ટ્રીક નેટવર્ક ભયંકર રીતે ડેમેજ થયું છે તેવું અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું હાલ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ છે, શહેર વિસ્તારમાં એચ.ટી અને એલ.ટીની કામગીરી શરૂ છે આજે સાંજ સુધીમાં રીપેરીંગ થઈ જશે અને લાઈટ પણ શરૂ કરી દેવામાં આવશે તેવું અધિકારીએ આશ્વાસન આપ્યું હતું.