૨૦ થી વધુ પ્રજ્ઞાચક્ષુ પરિવારોને અન્નપૂર્ણા યોજના અંતર્ગત સ્વ.નીલાબેન સોનાણીની સ્મૃતિમાં માસિક અનાજકીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રજ્ઞાચક્ષુ મહિલા કાર્યકર અને અંધ અભ્યુદય મંડળના કારોબારી સભ્ય નીલાબેન સોનાણીનું ગત તા.૨૦/૦૪/૨૦૨૧નાં રોજ કોવિડની બીમારીના કારણે દુઃખદ અવસાન થયું હતું.પ્રથમ માસની તિથીએ તેમની સ્મૃતિમાં તા.૨૦/૦૫/૨૧ ને ગુરૂવારના રોજ કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા ખાતે સવારે ૧૧ઃ૦૦ કલાકે અંધ અભ્યુદય મંડળના નબળી આર્થીક સ્થિતિવાળા ભાવનગર શહેરના ૨૧ નેત્રહીન પરિવારોને ૧ મહિનો ચાલે તેટલી ચીજવસ્તુઓની અનાજકીટનું વિતરણ તેમના પુત્રી નિષ્ઠાબેન લાભુભાઈ સોનાણીના વરદહસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રંસગે મહેશભાઈ પાઠક, પંકજભાઈ ત્રિવેદી, કનુભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન હસમુખભાઈ ધોરડાએ કર્યું હતું. અત્રે એ નોંધવું ઘટે કે અંધ અભ્યુદય મંડળ દ્વારા પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓને પ્રતિમાસ અનાજકીટનું વિતરણ કરવામાં આવે છે.