બજારોમાં ઉભરાતી ભીડ કોરોનાની ત્રીજી લહેરને ખુલ્લુ આમંત્રણ આપી રહી છે

764

કોરોનાની બીજી લહેરે કાળો કેર વર્તાવ્યો અને અનેક પરિવારોના સ્વજનોએ જીવ ગુમાવ્યો છે. સરકાર દ્વારા આર્થિક ઉપાર્જન માટે બપોરે ત્રણ વાગ્યા સુધી ધંધા-રોજગારને છુટ આપી પરંતુ લોકોની અણસમજથી બજારોમાં થતી ગર્દી અને સોશ્યલ ડિસ્ટન્સના અભાવથી રોગચાળો વધવાની સંભાવના વ્યાપક બની છે.
શહેરના એમ.જી.રોડ, આંબાચોક, વોરાબજાર, ગોળબજાર, પિરછલ્લા શેરીઓમાં રવિવારે જાણે માણસોનું કિડયારુ ઉભરાયું હોય તેમ લોકો બજારોમાં ખરીદી કરવા ઉમટ્યા હતા. અને સોશ્યલ ડિસ્ટન્સનો અભાવ બજારો સરેઆમ જોવા મળી રહ્યો હતો અને લોકો બે પરવાહ થઈને ખરીદી કરી રહ્યા હતા.
ધંધા-રોજગાર ઘર ચલાવવા જરૂરી છે પરંતુ પુરી સાવધાની સાથે વેપાર થવો જોઇએ. પરંતુ સરકારે હાલ બપોરના ત્રણ વાગ્યા સુધીની છુટ આપતાની સાથે બજારોમાં ઉભરાતી ભીડ ભયજનક બનતી જાય છે અને લોકો પણ વગર માસ્કે બેખૌફ ફરી રહ્યા છે તો ચોક્કસ ચાર રસ્તાઓ અને બજારોની સાંકડી ગલીઓમાં એટલી હદે ગર્દી થાય છે કે પગપાળા પણ રોડ વટવો અઘરો થઇ પડે છે. ઘોઘાગેટ ચોકમાં પિરછલ્લા બાજુ જતા રોડ પર, સેવા સમિતિવાળા રોડ પર, એમ.જી. રોડ, વોરાબજારથી ગોળબજાર ચોકડી પર તેમજ શહેરના માર્કેટમાંથી છુટા પડતા રસ્તા પર એટલી હદે ગર્દી થાય છે કે કોરોનાને સામે ચાલીને લોકો આમંત્રણ આપી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. કામ વગર ઘરની બહાર નિકળવાનું ટાળવા ઉપરાંત સોશ્યલ ડિસ્ટન્સ જાળવવાની વારંવારની સુચનાનું કોઇ પાલન કરાતું નથી કે વેપારી-ગ્રાહક પણ માસ્ક વગરના વેપાર કરી ત્રીજી લહેરને જાણે ખુલ્લુ આમંત્રણ આપી રહ્યા છે. સ્વૈચ્છીક લોકડાઉન અને સરકારી લોકડાઉન કરતા પણ હાલ વેપારની છુટ મળી છે તો પોતાનું અને પોતાના પરિવારજનો માટે નિયમોનું પાલન કરવું જરૂરી છે તે વાત અંગે લોક જાગૃતિ આટ આટલા મોત પછી પણ લોકોમાં સમજણ આવી નથી. ઠેર-ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો રોજીંદા બની રહ્યા છે. ત્યારે ચોક્કસ સ્થળોએ પોઇન્ટ કાર્યરત કરવા પણ જરૂરી બન્યા છે.

Previous articleભાવનગરમાં મોડીરાત્રે બે શખ્સો તિક્ષ્ણ હથિયાર વડે યુવાનની હત્યા કરી ફરાર થયા
Next articleભાવનગર માર્કેટિંગ યાર્ડનો પુનઃ પ્રારંભ થવાથી ખેડૂતો અને વેપારીઓમાં હર્ષની લાગણી જન્મી