ભાવનગર માર્કેટિંગ યાર્ડનો પુનઃ પ્રારંભ થવાથી ખેડૂતો અને વેપારીઓમાં હર્ષની લાગણી જન્મી

1127

કોરોના સંક્રમણ વધતા યાર્ડમાં તમામ હરાજીની કામગીરી બંધ કરવામાં આવી હતી. અને આજે લાંબા સમય બાદ ભાવનગર માર્કેટિંગ યાર્ડનો પ્રારંભ થયો હતો. કોરોનામાં આંશિક રાહત મળતા યાર્ડમાં હરાજીની મંજૂરી આપવામાં આવી છે. તેથી માર્કેટિંગ યાર્ડ આજથી પુનઃ ધમધમતું થયું છે.
કોરોના મહામારીને કારણે ભાવનગર માર્કેટિંગ યાર્ડ છેલ્લા ઘણાં સમયથી બંધ હતું. ભાવનગર માર્કેટિંગ યાર્ડ ખાતે તમામ જણસી અનાજ, કઠોળ, મગફળી, સીંગતેલ, તેલીબીયા, કપાસ (ડુંગળી સિવાયની) ખેડૂતોની જાહેર હરાજી આજ થી શરૂ કરવામાં આવ્યું છે. તાઉ-તે વાવાઝોડાને પગલે લીંબુમાં મોટા પાયે નુકસાન થયું હતું, લીંબુ બગડી જતા અને ભાવ નહી મળતા ખેડૂતો અને વેપારીઓ દ્વારા લીંબુ ફેંકી દેવામાં આવ્યા હતા. વાવાઝોડાના કારણે યાર્ડમાં હરાજી બંધ રહેતા લીંબુનો બગાડ થયો હતો. ભાવનગર માર્કેટયાર્ડમાં અંદાજે ૬૦ થી ૭૦ ટન બગડી ગયેલા લીંબુ ફેંકી દેવામાં આવ્યા છે. લીંબુનો બગાડ થતાં વેપારીઓ અને ખેડૂતોને પણ નુકશાન થયું હતું.માર્કેટિંગ યાર્ડનો પુનઃ પ્રારંભ થવાથી ખેડૂતો અને વેપારીઓમાં હર્ષની લાગણી જોવા મળી હતી. યાર્ડના પ્રારંભ સાથે કેટલાક નિયમોનું પાલન કરવા અપાય સૂચનાનું પાલન કરવા પણ જણાવ્યું છે. જેમાં દરેક ખેડૂતો, વેપારીઓએ માસ્ક/રૂમાલ ફરજીયાત બાંધીને આવવું, તથા સોશિયલ ડિસ્ટનસનું પાલન કરવું, ખરીદ કરેલ માલ વેપારીઓએ તાત્કાલિક ઉપાડી લેવાનો રહેશે. જેની તમામ વેપારી ભાઇઓએ અને ખેડૂતોએ નોંધ લેવી.મહારાજા કૃષ્ણકુમારસિંહજી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ભાવનગર દ્વારા ભાવનગર માર્કેટિંગ યાર્ડ ખાતે તમામ જણસી અનાજ, કઠોળ, મગફળી, સીંગતેલ, તેલીબીયા, કપાસ (ડુંગળી સિવાયની) ની જાહેર હરાજી આજથી શરૂ કરાઇ છે. તેમ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ભાવનગર-ઘોઘાના સેકેટરીએ જણાવ્યું છે.હર્ષદભાઈ લાલજીભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે આજથી માર્કેટયાર્ડ ખોલવાનો યોગ્ય નિર્ણય કરવામાં આવ્યો છે. કારણકે હવે ટૂંક સમયમાં વરસાદની સિઝન શરૂ થશે. જેને કારણે ખેડૂતોનો માલ બગડતો હોય છે. તેના બદલે યોગ્ય જગ્યાએ બજારમાં પહોંચે તો માલના યોગ્ય ભાવ પણ મળે જે ખેડૂતો કે વેપારીઓ ઘરેબેઠા હતા તેઓને યોગ્ય વળતર મળશે. જેને લઈ ખેડૂતો ખુશ થયા છે.

Previous articleબજારોમાં ઉભરાતી ભીડ કોરોનાની ત્રીજી લહેરને ખુલ્લુ આમંત્રણ આપી રહી છે
Next articleસોશ્યલ મિડીયા થકી દશનામ સાધુ સમાજને ગાળો આપી અભદ્ર ટીપ્પણી કરનાર સામે પગલા ભરવા માંગ