ગાંધીના ગુજરાતમાં ચોરીછૂપી દારૂનો ધંધો થઈ રહ્યો છે. પાણી કરતાં વધારે દારૂ મળશે એવો કોંગ્રેશના ધારાસભ્યએ વિધાનસભામાં પણ આક્ષેપ કરી ચૂક્યા છે. પોલીસ પર ક્યારેક હપ્તાની શરમમાં દબાયેલી કે બુટલેગરોને સપોર્ટ કરતી હોવાના આરોપ લાગતા હોય છે.
પરંતુ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી ૩ તસવીરોએ ગુજરાત પોલીસને રિતસરનો પડકાર ફેંક્યો હોય તેવો બનાવ બનાસકાંઠામાં સામે આવ્યો છે. રેડ કરવા ગયેલી એલસીબીની ટીમ પર બુટલેગરે કહેર વર્તાવ્યો હતો અને ખુલ્લેઆમ જબરજસ્તી વિદેશી દારૂનું સેવન કરાવ્યું હતું.
એલસીબીની ટીમના પોલીસ જવાનોને જબરજસ્તી વિદેશી દારૂ પીવડાવનાર આરોપી બુટલેગરને ઝડપી પાડવા માટે પોલીસે જુદીજુદી ટીમો બનાવીને બનાસકાંઠાના દાંતીવાડાના નાંદોત્રા ગામે સર્ચ ઓપરેશન કર્યું હતું. જો કે પોલીસ કંઈક કરી શકે એ પહેલા જ બૂટલેગરો ગામમાં છૂ થઈ ગયા હતા. પરંતુ પોલીસ જવાબી કાર્યવાહી કરીને ૩ ગુનામાં ૨૩ લોકો સામે ગુનો નોંધ્યો હતો અને સંજયસિંહ નાથુસિંહ ચૌહાણ અને નાથુસિંહ રઘસિંહ વાઘેલા નામની વ્યક્તિની ધરપકડ કરી હતી. સાથે અન્ય આરોપીઓની ધરપકડ કરવા માટે કાર્યવાહી હાથ ધરી હતી.
દારૂના અડ્ડા પર રેડ કરવા ગયેલા એલસીબીના ૩ જવાનોને નાંદોત્રા ગામમાં બૂટલેગરોએ હુમલો કરી દીધો હતો. એટલું જ નહીં તેમને બાનમાં લઈને વિદેશી દારૂ ઢિચાવ્યો હતો. બૂટલેગરોની હિંમત તો એટલી વધી ગઈ હતી કે પોલીસકર્મીઓને દારૂ પીવડાવીને તેની ફોટોગ્રાફી કરી હતી અને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા.