બ્લેક તેમજ વ્હાઈટ કરતાં યલો ફંગસ વધુ ખતરનાક છે

354

(સં. સ. સે.) નવી દિલ્હી,તા.૨૫
કોરોના મહામારી સાથે માંડ જીવતા શીખ્યા ત્યાં હવે બ્લેક ફંગસ અને વ્હાઈટ ફંગસે લોકોની ચિંતા વધારી છે. છેલ્લા થોડા દિવસમાં બ્લેક ફંગસના કેસમાં ઉછાળો જોવા મળ્યો છે. આ બંને ફંગસ અસ્વચ્છતાના કારણે ફેલાય છે. અત્યાર સુધીમાં ભારતમાં આના ૮૦૦૦થી વધુ કેસ નોંધાયા છે. હવે વધુ એક ફંગસનું જોખમ તોળાઈ રહ્યું છે. બ્લેક અને વ્હાઈટ ફંગસ બાદ હવે યલો ફંગસનો કેસ નોંધાતા ચિંતામાં ઉમેરો થયો છે. મીડિયા રિપોર્ટ અનુસાર, યલો ફંગસનો પહેલો કેસ ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં નોંધાયો છે. આ કેસ વિશે વધુ વિગતો હજી સામે નથી આવી ત્યારે ડૉક્ટરોનું કહેવું છે કે યલો ફંગસ બ્લેક અને વ્હાઈટ ફંગસ કરતાં પણ વધારે ખતરનાક હોઈ શકે છે.
અત્યાર સુધી મળેલી માહિતી પ્રમાણે, નિષ્ણાતોનું કહેવું છે કે, બ્લેક અને વ્હાઈટ ફંગસની સરખામણીમાં યલો ફંગસ વધારે ખતરનાક છે કારણકે તે શરીરના આંતરિક અંગો પર અસર કરે છે. બ્લેક અને વ્હાઈટ ફંગસના લક્ષણો શરીરના બહારના ભાગમાં જોવા મળે છે. જ્યારે યલો ફંગસની શરૂઆત શરીરની અંદરથી થાય છે. પસ લીક થવું, ઘા રૂઝાવાની પ્રક્રિયા ધીમી થવી જેવા પ્રારંભિક લક્ષણો છે. જ્યારે યલો ફંગસના ગંભીર કિસ્સાઓમાં અંગો નિષ્ફળ જવા અને એક્યુટ નેક્રોસિસ (શરીરના કોઈ હાડકા અથવા પેશીજાલનો નાશ થવો) જેવી સ્થિતિ જોવા મળે છે. જેથી જરૂરી છે કે, દર્દીઓને સામાન્ય લક્ષણો દેખાય તો પણ તેઓ વહેલામાં વહેલી તકે ડૉક્ટરનો સંપર્ક કરે. અહીં એ નોંધવું જરૂરી છે કે મોટાભાગના ફંગલ ઈન્ફેક્શન સ્વચ્છતાના અભાવના કારણે ઉદ્ભવે છે. નબળું હાઈજિન, ખોરાક સહિતના દૂષિત પદાર્થોનું સેવન અથવા સ્ટીરોઈડ્‌સ, એન્ટીબેક્ટેરિયલ દવાઓનો વધુ પડતો ઉપયોગ અથવા તો ઓક્સિજનનો ઓછો ઉપયોગ આના કારણો છે. જે દર્દીઓને અન્ય કોઈ બીમારી હોય અથવા ઈમ્યૂનિટી સપ્રેસિંગ દવાઓનો ઉપયોગ કરતાં હોય તેમને આ ઈન્ફેક્શન લાગવાનું જોખમ વધારે છે. બ્લેક અને વ્હાઈટ ફંગલ ઈન્ફેક્શનના કારણે તીવ્ર સોજો અને ચહેરાનો આકાર બગડી જાય તેવી સ્થિતિ ઊભી થાય છે. યલો ફંગસને વધુ ઘાતકી એટલા માટે કહી શકાય કારણકે તેના ફેલાવાની શરૂઆત શરીરની અંદરથી થાય છે અને શરૂઆતમાં જ ભિન્ન-ભિન્ન લક્ષણો દેખાય છે.

Previous article‘યાસ’ વાવાઝોડાએ ધારણ કર્યું ભીષણ સ્વરૂપ, બંગાળ ઓડિશામાં વરસાદ
Next articleગુજરાતમાં ૧૨ વિજ્ઞાન-સા.પ્રવાહની પરીક્ષા પહેલી જુલાઈથી