(સં. સ. સે.) અમદાવાદ, તા. ૨૫
ગુજરાતમાં ધોરણ ૧૨ બોર્ડની વાર્ષિક પરીક્ષાઓ તારીખ ૧ જુલાઈ ૨૦૨૧ ગુરુવારથી યોજાશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ-૧૨ની વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહની આ વર્ષની વાર્ષિક પરીક્ષાઓ રાબેતા મુજબની પદ્ધતિએ આગામી તારીખ પહેલી જુલાઈએ ગુરૂવારથી યોજાશે.
ધોરણ ૧૨ બોર્ડની પરીક્ષામાં કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી ઉચ્ચસ્તરીય બેઠકે રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણની પરિસ્થિતિમાં ધોરણ-૧૨ની બોર્ડ પરીક્ષાઓ યોજવા અંગે ચર્ચા-વિચારણા બાદ આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબહેન દવેએ આ અંગે વિગતો આપતા જણાવ્યું કે, સમગ્ર રાજ્યમાં ૧,૪૦,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહમાં અને ૫,૪૩,૦૦૦ વિદ્યાર્થીઓ સામાન્ય પ્રવાહના મળી કુલ ૬,૮૩,૦૦૦ વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં બેસવાના છે.
શિક્ષણમંત્રીએ જણાવ્યું કે વિજ્ઞાન પ્રવાહ ભાગ-૧ ની ૫૦ ગુણની બહુવિકલ્પ પ્રકારની (એમસીક્યુ) ઓએમઆર પદ્ધતિથી અને ભાગ-૨ વર્ણનાત્મક લેખિત સ્વરૂપની ૫૦ ગુણની પરીક્ષા ૩ કલાકની યોજવામાં આવશે. આ પ્રમાણે ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહમાં ૧૦૦ ગુણની વર્ણનાત્મક લેખિત સ્વરૂપની ૩ કલાકની પરીક્ષા યોજવામાં આવશે.
પરીક્ષામાં બેસનારા વિદ્યાર્થીઓ સોશિયલ ડિસ્ટન્સ જાળવે, માસ્કનો ફરજિયાત ઉપયોગ કરે તેમજ પરીક્ષા કેન્દ્રો ઉપર સેનેટાઈઝર સહિતની કોરોના સંક્રમણ નિયંત્રણ ગાઇડલાઇનનું પાલન થાય તે શિક્ષણ વિભાગ સુનિશ્ચિત કરશે.
વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની બન્ને પરીક્ષા માટે દરેક પરીક્ષા ખંડમાં મહત્તમ ૨૦ વિદ્યાર્થીઓ પરીક્ષા ખંડમાં બેસી શકે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવશે. એટલું જ નહિ, પરીક્ષા કેન્દ્રોને સીસીટીવી કેમેરાથી સજ્જ કરાશે. આ ઉચ્ચસ્તરીય બેઠકમાં વિદ્યાર્થીઓના ભાવિને ધ્યાનમાં રાખીને એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે જે વિદ્યાર્થીઓ પરીક્ષામાં કોરોનાના સંક્રમણના કારણે ગેરહાજર રહ્યા હોય કે પરીક્ષા દરમિયાન કોરોના સંબંધિત અથવા અન્ય અનિવાર્ય કારણોસર ગેરહાજર રહે તેવા વિદ્યાર્થીઓ માટે મૂળ પરીક્ષા એટલે કે તારીખ પહેલી જુલાઈથીથી શરૂ થનારી પરીક્ષાના ૨૫ દિવસ બાદ તમામ વિષયોની નવેસરથી અને નવા સમયપત્રક અને નવા પ્રશ્નપત્ર આધારિત પરીક્ષા યોજવામાં આવશે. શિક્ષણમંત્રીએ ઉમેર્યું કે ધોરણ-૧૦ના રિપીટર વિદ્યાર્થીઓ માટેની પરીક્ષા પણ આ પ્રમાણે લેવામાં આવશે.