ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ટીંબી ગામે શ્રી નિર્દોષાનંદ હોસ્પિટલ છેલ્લા ઘણા વર્ષોથી વિનામૂલ્યે સારવાર કરતી સંસ્થા છે. તેણે કોરોનાની બીજી લહેરમાં કોરોનાના કેસોનું પ્રમાણ ખુબજ વધતા શ્રી નિર્દોષાનંદ હોસ્પિટલ દ્વારા નિર્દોષા કોવિડ કેર સેન્ટર ઉભું કરાયું હતું. જ્યાં અનેક દર્દીઓને મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં મળતી સુવિધાઓ વિનામૂલ્યે આપવામાં આવી હતી. હાલ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં ઘટાડો થતા હાલ શ્રી નિર્દોષાનંદ હોસ્પિટલ દ્વારા કોવિડ કેર સેન્ટર ૧ જૂનથી બંધ કરવામાં આવશે.
ભાવનગરમાં કોરોનાના સંક્રમણમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ભાવનગરમાં છેલ્લા પાંચ દિવસમાં ૫૦ ની અંદર આંકડો આવ્યો છે. પાંચ દિવસમાં ગ્રામ્ય વિસ્તારોમાં નવા કેસ કુલ ૨૨૦ નોંધાયા છે. જે પહેલા ૧૦૦ થી વધુ પોઝિટિવ કેસો આવતા હતા. અને મોતનો આંક પણ ખુબ જ વધારે જોવા મળતો હતો. હાલ કેસોનું પ્રમાણ ઘટતાં લોકોને હાશકારો થયો છે. કોરોના બિમારીમાં ભાવનગર જિલ્લાની સેવા સંસ્થા શ્રી નિર્દોષાનંદજી હોસ્પિટલ દ્વારા સમાજ સેવાનું ઉમદા કાર્ય કર્યું છે. ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ટીંબી ગામે શ્રી નિર્દોષાનંદ હોસ્પિટલ દ્વારા પુરા પંથકમાં દવા સાથે સારવાર અને શસ્ત્રક્રિયા દર્દીઓને વિનામૂલ્યે લાભ મળી રહ્યો છે. ત્યારે આ વર્ષે કોરોના બિમારીના કહેરમાં પણ આ સંસ્થા દ્વારા સારવાર કેન્દ્ર શરૂ કરાયું, જેમાં આરોગ્ય વિભાગની માર્ગદર્શિકા મુજબ તેમજ પ્રથમ દરજ્જાના આરોગ્ય કેન્દ્ર જેવી ઉત્તમ સેવા થઈ છે.
સંસ્થાના વડા બાબુભાઈ રાજપરાએ જણાવ્યા મુજબ માત્ર ભાવનગર જિલ્લાના જ નહિ પરંતુ બહારના વિસ્તારના દર્દીઓની ઉત્તમ અને સફળ સારવાર થઈ છે. ટીંબીના આ કોરોના સારવાર કેન્દ્ર માટે સરકારી તંત્ર, દાતાઓ તેમજ કાર્યકર્તાઓનો પૂરો સહયોગ મળ્યો છે. ધારાસભ્ય આત્મારામભાઈ પરમાર દ્વારા પ્રાણવાયુ એકમ માટે ૧૫ લાખ રૂપિયા અનુદાન ફળવાયું છે. અહીંયા દર્દીઓને દવા, ઉકાળા, નાસ્તો, ભોજન, ફળ તેમજ અન્ય સુવિધાઓનો બહોળા પ્રમાણમાં લાભ લીધો હતો. હવે કોરોના બિમારીમાં દર્દીઓની સંખ્યામાં ઓછી થતા હવે આ કેન્દ્રની કામગીરી બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.