નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ પરીક્ષામાં ભાવનગરના વિદ્યાર્થીઓએ મેદાન માર્યું

559

ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં ધોરણ- ૮ માં અભ્યાસ કરતાં તેજસ્વી વિદ્યાર્થીઓ માટે નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ યોજના અમલમાં મૂકવામાં આવેલી છે. ભારત સરકારની આ યોજનાનું ગુજરાત રાજ્યમાં અમલીકરણ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા કરવામાં આવે છે. જેમાં ભાવનગર જિલ્લાના ૬૫ ટકાથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા પાસ કરી છે. જેમાં વર્ષ ૨૦૨૦ માં ભાવનગર જિલ્લાનાં ૭,૫૩૧ નોંધાયેલ વિદ્યાર્થીઓ પૈકી ૭,૨૯૧ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યાં હતાં. જે પૈકી ૪,૮૯૮ વિદ્યાર્થીઓ ક્વોલિફાય થયેલા છે. અને ૨૧૮ વિદ્યાર્થીઓ મેરીટમાં સ્થાન મેળવવામાં સફળતા મેળવી આગવી સિદ્દિ નોંધાવતાં મેદાન માર્યું છે. ચાલુ વર્ષે રાજ્યના કુલ ૫,૦૯૭ ના ક્વોટામાં ૫,૦૯૦ વિદ્યાર્થીઓએ મેરિટમાં સ્થાન મેળવેલો છે. જેમાં માત્ર ભાવનગર જિલ્લાના ૬૫ ટકાથી વધુ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા પાસ કરવામાં સફળતા મેળવી છે. અને ૨૧૮ વિદ્યાર્થીઓ મેરીટમાં સ્થાન મેળવવામાં સફળ થયાં છે.
ઉલ્લેખનીય છે કે, સરકારી શાળામાં અભ્યાસ કરતા આર્થિક રીતે સંપન્ન ન હોય તેવા અને મેરિટમાં સ્થાન પામેલા તેજસ્વી બાળકોને આ પરીક્ષા પાસ કર્યેથી દર વર્ષે રૂ.૧૨,૦૦૦ ની રકમ શિષ્યવૃત્તિ તરીકે આપવામાં આવે છે. વિદ્યાર્થીઓના બૌદ્ધિક વિકાસ માટે ખૂબ અગત્યની એવી આ પરીક્ષાનો હેતુ પ્રતિભાવાન બાળકોને ઓળખ કરવાનો છે. આ પસંદ થયેલાં વિદ્યાર્થીઓને તેમના પોતાના અભ્યાસ સાથે રાજ્ય સરકાર રૂ.૧૨ હજારની સહાય ૪ વર્ષ સુધી આપવામાં આવે છે. આમ, ૪ વર્ષમાં એક વિદ્યાર્થીને રૂ. ૪૮ હજારની શિષ્યવૃત્તિની રકમ આપવામાં આવે છે. જેના દ્વારા તેમની પ્રતિભાને નિખારીને તેમનું પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવામાં મદદ મળે છે.
દેશ લેવલે યોજાતી આ પરીક્ષામાં પહેલાં ભાવનગરમાં બહુ વિદ્યાર્થીઓ પાસ થતાં ન હતાં. આ અંગેની જાણ જિલ્લા વિકાસ અધિકારી વરૂણ બરનવાલને થતાં તેઓએ આ માટે રસ લઇને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના સહકારથી આ બાબતે શું કરી શકાય તેના મનોમંથનમાંથી પરીક્ષામાં ક્વોલિફાય થયેલા હોય પરંતુ મેરીટમાં સ્થાન મેળવેલો ન હોય તેવા તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળી રહે અને તેમજ આગળના અભ્યાસ માટે બાળકોના ઉત્સાહમાં વધારો થાય એ હેતુસર વધુ અભ્યાસ કરાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ માટે બજેટમાં રૂ. ૭ લાખની ખાસ રીતે જોગવાઇ પણ કરવામાં આવી હતી.
આ અંગે ભાવનગરના નાયબ પ્રાથમિક શિક્ષણાધિકારી મીતાબેન દૂધરેજીયાએ જણાવ્યું કે, જિલ્લા પંચાયત હેઠળની ૯૩૧ શાળાઓમાં શિક્ષકો દ્વારા શાળાના ઓનલાઇન ક્લાસ બાદ ઓનલાઇન અને રૂબરૂ જઇને પણ રવિવાર તથા જાહેર રજાઓના દિવસોમાં વિશેષ ક્લાસ લઇને વિદ્યાર્થીઓને આ પરીક્ષા માટેની તૈયારીઓ કરાવવામાં આવી હતી.

Previous articleભાવનગર શહેરમાં વૈશાખ માસના ઉત્તરાર્ધે વાતાવરણમાં ફેરફાર, ચોમાસાની ગતિવિધિ તેજ બની
Next articleઓનલાઈન કરવેરો ભરનાર આસામીઓને ૧૨ ટકા રીબેટ યોજનાનો લાભ મળશે