(સંપૂર્ણ સમાચાર સેવા) કોલકત્તા, તા. ૩૧
કેન્દ્ર સરકાર અને મુખ્યમંત્રી મમતા બેનર્જી વચ્ચે ચાલી રહેલી રસાકસી બાદ પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ અલપન બંદોપાધ્યાયે સોમવારે નિવૃતિ લઈ લીધી છે. ૩૧ મેએ તેમનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો હતો, જે ત્રણ મહિના માટે વધારવામાં આવ્યો હતો. તેમને કેન્દ્રએ પરત બોલાવ્યા હતા પરંતુ તેઓ ગયા નહીં. હવે મમતા બેનર્જીએ તેમની પોતાના વિશેષ સલાહકાર તરીકે નિમણૂક કરી છે. ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળ કેડરના ૧૯૮૭ બેચના આઈએએસ અધિકારી બંદોપાધ્યાય ૬૦ વર્ષની ઉંમર પૂરી કર્યા બાદ ૩૧ મેએ નિવૃત થવાના હતા. પરંતુ કેન્દ્ર પાસેથી મળેલી મંજૂરી બાદ તેમને ત્રણ મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું હતું. એક્સટેન્શન આપ્યાના ચાર દિવસ બાદ કેન્દ્ર સરકારે તેમની સેવાઓ માંગી. મમતા સરકારને કહેવામાં આવ્યું કે, તે પોતાના મુખ્ય સચિવને તત્કાલ કાર્યમુક્ત કરે. તૃણમૂલ કોંગ્રેસ સરકારે આ પગલાને બળજબરીપૂર્વક પ્રતિનિયુક્તિ ગણાવી હતી.
અલપન બંદોપાધ્યાયને ૩૧ મેની સવારે ૧૦ કલાક પહેલા કેન્દ્ર સરકારને રિપોર્ટ કરવાનું કહેવામાં આવ્યું હતું. પરંતુ બંદોપાધ્યાયની જગ્યાએ મુખ્યમંત્રીનો પત્ર કેન્દ્રને મળ્યો.
મમતાએ કહ્યું કે, આવા મુશ્કેલ સમયમાં બંગાળ સરકાર પોતાના મુખ્ય સચિવને કાર્યમુક્ત ન કરી શકે. વિવિધ મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, મમતાના આ વલણ બાદ કર્મચારી અને તાલીમ વિભાગ (ડીઓપીટી) બંદોપાધ્યાય વિરુદ્ધ કાર્યવાહી કરી શકે છે. અગાઉ ફરી એક વખત પશ્ચિમ બંગાળ અને કેન્દ્ર સરકાર વચ્ચે તલવારો ખેંચાઈ છે. યાસ વાવાઝોડા મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બેઠકમાં સામેલ ન થવા મુદ્દે મુખ્ય સચિવ અલપન બંદોપાધ્યાયને દિલ્હી બોલાવવામાં આવ્યા હતા. તેમને સોમવારે સવારે ૧૦ઃ૦૦ કલાકે નોર્થ બ્લોકમાં રિપોર્ટ કરવાનું હતું પરંતુ તેઓ નહોતા આવ્યા. આ કારણે કેન્દ્ર સરકાર હવે તેમના વિરૂદ્ધ શિસ્તભંગની કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે.
આ સંજોગોમાં સવાલ થઈ રહ્યો છે કે શું કોઈ પણ રાજ્યમાં તૈનાત આઈએએસ અધિકારીઓ વિરૂદ્ધ કેન્દ્ર કોઈ કાર્યવાહી કરી શકે? બંગાળના મુખ્ય સચિવ અલપન બંદોપાધ્યાયે રાજ્ય સરકારના કહેવા પર કેન્દ્ર સરકારની સહમતિના આધાર પર તેમને ૩ મહિનાનું એક્સટેન્શન આપેલું છે. આ સંજોગોમાં કેન્દ્ર તેમના એક્સટેન્શનને રદ્દ કરી શકે છે. જાણકારોના મતે જો કોઈ અધિકારી રાજ્યમાં તૈનાત છે તો તેણે સેન્ટ્રલ ડેપ્યુટેશન કાર્યવાહી કરવા માટે રાજ્ય સરકારની મંજૂરી લેવી પડે છે. આ સંજોગોમાં રાજ્ય ઈચ્છે તો સેન્ટ્રલ ડેપ્યુટેશનના આદેશને માનવા ના પાડી શકે છે. એટલું જ નહીં જો કેન્દ્ર રાજ્યમાં તૈનાત કોઈ પણ અધિકારીને દિલ્હી બોલાવે તો આવા સંજોગોમાં પણ રાજ્ય સરકારની સહમતિ જરૂરી છે. અલપન બંદોપાધ્યાયને મમતા સરકારે દિલ્હી જવા મંજૂરી નહોતી આપી. થોડા મહિના પહેલા બંગાળમાં એક ચૂંટણી રેલી દરમિયાન ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાના કાફલા પર પથ્થરમારો થયો તેને લઈ કેન્દ્ર સરકારે બંગાળના ૩ ૈંઁજી અધિકારીઓને દિલ્હી બોલાવ્યા હતા. પરંતુ મમતા બેનર્જીની સરકારે કેન્દ્રના આ આદેશને ઠોકર મારી હતી અને તેમને ગૃહ મંત્રાલય મોકલવા ના પાડી દીધી હતી.