રેલ્વે લેન્ડ ડેવલોપમેન્ટ ઓથોરીટી દ્વારા દેશભરમાં વધારાની કે ઉપયોગ વિનાની જમીનો વેચવામાં આવી રહી છે તેના ભાગરૂપે ભાવનગરમાં રાજકોટ રોડ ઉપર આવેલી ૪૯૬૯ ચો.મી. જમીન વેચવા માટે ઓનલાઇન ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. આ જમીન હાલમાં રાજકોટ રોડ પર બનતા ઓવરબ્રીજનાં કારણે ભાવનગરમાં ટ્રાફીક સમસ્યા હળવી કરવા મહાપાલિકાએ ડાયવર્ઝન માટે રેલ્વે પાસે માંગી હતી. ગુજરાતનાં અન્ય શહેરો અને મહાનગરોની સરખામણીએ ભાવનગરને સતત અન્યાય થતો આવ્યો છે તેમાં સ્થાનિક નેતાગીરી પણ નબળી પુરવાર થઇ રહી છે.
ભાવનગરમાં લાંબા સમયની રજૂઆતો અને માંગણી બાદ સૌ પ્રથમ સીક્સલેન ઓવરબ્રીજ મંજુર થયો અને રાજકોટ રોડ પર તેનું કામ શરૂ થયું આ કામ શરૂ થવાનાં કારણે ટ્રાફીક સમસ્યા સર્જાવા લાગી છે તેને નિવારવા માટે ભાવનગર મહાપાલીકાનાં પદાધિકારી, અધિકારીઓ દ્વારા રેલ્વેની જમીનમાંથી ડાયવર્ઝન કાઢવા માટે રેલ્વે સમક્ષ રજૂઆત કરી હતી. જેનો હજુ સુધી કોઇ જવાબ આવ્યો નથી ત્યાં રેલ્વે લેન્ડ ડેવલોપમેન્ટ ઓથોરીટી ્દ્વારા મહાપાલિકાએ ડાયવર્ઝન માટે માંગેલી જમીન પૈકી ૪૯૬૯ ચોરસવાર જમીન વેચવા કાઢી છે અને રૂા. ૯.૭૦ કરોડની અપસેટ પ્રાઇઝ સાથે ઓનલાઇન ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યું છે.
ભાવનગરમાં ઓવરબ્રીજનું કામ શરૂ થયું અને તેના કારણે ટ્રાફીક સમસ્યાને નિવારવા માટે રેલ્વેની જમીનમાંથી ડાયવર્ઝન કરવા માટે રજૂઆત કરવામાં આવી ત્યારે રેલ્વે દ્વારા ડાયવર્ઝન માટે જમીન આપવાનો જવાબ તો ન આવ્યો પરંતુ વર્ષોથી પડી રહેલી આ જમીન વેચવા કાઢી તેનો મતલબ કે રેલ્વે ભાવનગરને ડાયવર્ઝન માટે જમીન આપવા માંગતા નથી તેવો થાય આમ ભાવનગરનો વિકાસ થાય તે કોઇ જોઇ શકતું નથી તેમ માની શકાય.
ભાવનગરની નેતાગીરી પણ રેલ્વેએ જમીન વેચવા કાઢી અને તેનાં ઓનલાઇન ટેન્ડર બહાર પાડ્યા તેનાથી અજાણ હશે અન્યથા રજૂઆત તો કરે જ.