વર્ચ્યુઅલ માધ્યમથી યોજાયો બીન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક તરીકેની નિમણૂંકનો કાર્યક્રમ

524

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની પ્રેરક ઉપસ્થિતિમાં બીન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક તરીકેની નિમણૂંકનો કાર્યક્રમ આજે વર્ચ્યુઅલ માધ્યમથી સમગ્ર રાજ્યમાં એકસાથે યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યની સરકારી ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળા માટે ૨૯૩૮ શિક્ષણ સહાયકોને નિયુક્તિ પત્ર એનાયત કરાયાં હતાં. દરેક જિલ્લામાંથી પ્રતિનિધિરૂપે ઉપસ્થિત રહેલાં શિક્ષક ભાઇ-બહેનોને નિમણૂંક આપવાના કાર્યક્રમમાં ૯૪ શિક્ષકોની ભાવનગર જિલ્લામાં પસંદગી કરી નિમણૂંક પત્રો આપવામાં આવ્યા હતાં.

મુખ્યમંત્રીએ આ કાર્યક્રમમાં જણાવ્યું કે, કોરોનાને કારણે છેલ્લાં એક વર્ષથી શિક્ષણ કાર્ય ઓનલાઇન મોડમાં ચાલે છે. તેનાથી પ્રત્યક્ષ શિક્ષણની જે ખોટ પડી છે તે આ નવી ભરતીથી પુરાશે. તેમણે કહ્યું કે, મોં જોયાં વગર ફેસલેસ પધ્ધતિથી સંપૂર્ણ પારદર્શિતાથી આ ભરતી કરવામાં આવી છે. શિક્ષકને એક માતા કરતાં પણ ઉંચો દરજ્જો આપણે ત્યાં આપવામાં આવ્યો છે અને શિક્ષણને એક નોબલ વ્યવસાય તરીકે ગણવામાં આવે છે ત્યારે નવી નિમણૂંક પામેલા શિક્ષકો ભારતને વિશ્વગુરૂ બનાવવાની દિશામાં આગળ લઇ જશે.
નવી નિમણૂંક પામેલ શિક્ષકો વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની કલ્પનાનું આત્મનિર્ભર ભારત બનાવે તેમ જણાવી તેઓ ભારતની વિરાસતને આગળ ધપાવવા સાથે વિદ્યાર્થીઓના ચારિત્ર્ય ઘડતર સાથે રાષ્ટ્ર ઘડતરમાં પણ યોગદાન આપશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.
શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ નવા જોડાયેલ શિક્ષકોને આપવામાં આવેલ પાંચ પુસ્તકો વાંચે અને વંચાવે. તેમજ રાજ્યનો દરેક શિક્ષક પાંચ વૃક્ષ વાવે તેવો સંકલ્પ કરે તે સમયની જરૂરીયાત છે તેમ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, કોરોનાના કારણે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાં પડ્યાં છે પરંતુ તેનાથી શીખવા-શીખવવાની પ્રક્રિયાને મોટી અસર થઇ છે ત્યારે આ ભરતીથી તેની પૂર્તિ કરી શિક્ષણને આગળ લઇ જવાની નેમ વ્યક્ત કરી હતી.
કલેક્ટર ગૌરાંગ મકવાણાના હસ્તે આ શિક્ષકોને શાળા ફાળવણી અને નિમણૂંકના હુકમ આપવામાં આવ્યાં હતાં. કલેક્ટરશ્રીએ નિમણુંક પામનાર તમામ શિક્ષક મિત્રોને શિક્ષણના પવિત્ર વ્યવસાયમાં જોડાવાં માટે અભિનંદન પણ આપ્યાં હતાં.
જિલ્લા શિક્ષણાધિકારી એન.જી. વ્યાસે આ અવસરે જણાવ્યું કે, કોરોનાની મહામારી વચ્ચે સંપૂર્ણ પારદર્શિતાથી, ફેસલેસ પધ્ધતિથી રાજ્ય સરકાર દ્વારા ભરતી કરવામાં આવી છે. મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં આ ઉમદા કાર્ય સંપન્ન થયું છે. ઘણાં સમયથી શિક્ષણ કાર્ય કોરોનાને કારણે થંભેલું હતું તેમાં તેનાથી ગતિ આવશે. ભાવનગર જિલ્લો શૈક્ષણિક સંસ્થાઓ અને શિક્ષણ માટે સુખ્યાત છે ત્યારે આજે નવી થયેલ ભરતીથી અમારું માનવબળ પણ વધ્યું છે જે શિક્ષણને નવી ઉંચાઇ આપવાં માટે ઉપયોગી બની રહેશે. નિમણૂંક પામેલ અન્ય શિક્ષક મિત્રોને ચિત્રા ખાતે યોજયેલ કાર્યક્રમમાં નિમણૂંક અને શાળા ફાળવણી હુકમ આપવામાં આવ્યા હતાં. આ ઓનલાઇન કાર્યક્રમમાં શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબેન દવે, શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, તમામ જિલ્લાઓમાંથી કલેક્ટરશ્રીઓ સહિતના ઉચ્ચ અધિકારીઓ અને નિમણૂંક પામેલ શિક્ષક મિત્રો ઉપસ્થિત રહ્યાં હતાં.

Previous articleઅલંગમાં વાવાઝોડામાં અસરગ્રસ્તોને રેડક્રોસ દ્વારા રાહત કીટનું વિતરણ
Next articleહઝરત મહંમદશાપીર બાપુની વાડીનો ઉર્ષ શરીફ સાદગીથી ઉજવાયો