(જી.એન.એસ.)બીજિંગ,તા.૧
કોરોના સંકટ હજુ ટળ્યું નથી કે ચીનથી વધુ એક ખરાબ સમાચાર આવી રહ્યા છે. ચીનમાં પહેલીવાર માણસોમાં બર્ડ ફ્લૂ જોવા મળ્યો છે. નેશનલ હેલ્થ કમિશને ૪૧ વર્ષિય વ્યક્તિમાં બર્ડ ફ્લૂનો એચ૧૦એન૩ સ્ટ્રેન મળ્યાની પુષ્ટિ કરી છે. આ વ્યક્તિ ચીનના જિયાંગસૂ પ્રાંતનો રહેવાસી છે. એનએચસીએ જણાવ્યું કે, તાવ અને અન્ય લક્ષણો બાદ આ વ્યક્તિને ૨૮ એપ્રિલના હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો હતો. આના એક મહિના બાદ એટલે કે ૨૮ મેના તેમાં એચ૧૦એન૩ સ્ટ્રેન જોવા મળ્યો.
નેશનલ હેલ્થ કમિશને પીડિત વ્યક્તિ વિશે વધારે જાણકારી આપવાથી ના કહી છે, પરંતુ એટલું જરૂર જણાવ્યું છે કે આ સંક્રમણ મુરઘીઓથી માણસમાં પહોંચ્યો. જો કે એનએચસીનું કહેવું છે કે એચ૧૦એન૩ સ્ટ્રેન વધારે શક્તિશાળી નથી અને આ મોટા સ્તરે ફેલાય તેવી શક્યતાઓ ઓછી છે. પીડિત વ્યક્તિની સ્થિતિ હવે સ્થિર છે અને જલદી તેને હૉસ્પિટલથી રજા મળી જશે. એનએચસી પ્રમાણે, વ્યક્તિના સંપર્કમાં આવેલા લોકોની મેડિકલ તપાસમાં કોઈ પણ સંક્રમિત નથી જોવા મળ્યું.
ઉલ્લેખનીય છે કે ચીનમાં એવિયન ઇન્ફ્લુએન્ઝા એટલે કે બર્ડ ફ્લૂના અનેક સ્ટ્રેન છે અને આમાંથી કેટલાક માણસોને પણ સંક્રમિત કરી ચુક્યા છે. આનાથી ખાસ એ લોકો પ્રભાવિત થાય છે જેઓ પોલ્ટ્રીમાં કામ કરે છે. જો કે અત્યાર સુધી એચ૧૦એન૩ સ્ટ્રેન દુનિયાભરમાં કોઈ પણ માણસમાં જોવા નહોતો મળ્યો. ચીનમાં આનો આ પહેલો કેસ છે. ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય પંચે ભલે એચ૧૦એન૩ સ્ટ્રેનના ફેલાવાની શક્યતા ઓછી ગણાવી, પરંતુ આ સમાચાર આખી દુનિયા માટે ડરામણા છે, કેમકે કોરોના વાયરસ પણ ચીનના રસ્તે આખી દુનિયામાં ફેલાયો હતો અને આજ સુધી વિશ્વ આ મહામારી સામે ઝઝૂમી રહ્યું છે.