(સંપૂર્ણ સમાચાર સેવા) મુંબઈ, તા. ૧
દર મહિનાની પહેલી તારીખથી દેશમાં કેટલાક નવા ફેરફારો લાગુ કરવામા આવે છે. આ ફેરફારો કાં તો નવા નિયમોના રૂપમાં અથવા જૂના નિયમોમાં સુધારા તરીકે થાય છે. અથવા નવી યોજના અથવા ભાવમાં ફેરફાર લાગુ થાય છે. ૧ જૂન ૨૦૨૧ એટલે કે આજથી પણ કેટલાક ફેરફારો લાગુ કરવામાં આવી રહ્યા છે. આ નિયમોની તમારા પર પણ સીધી અસર પડશે. ચાલો આપણે આ ફેરફારો વિશે જાણવું રસપ્રદ બની રહેશે.
બેંક ઓફ બરોડાના ગ્રાહકો માટે ચેકથી પેમેન્ટ હવે વધુ સુરક્ષિત થઈ ગયું છે. ચેકથી થતી છેતરપિંડીને અટકાવવા માટે બેંકે ૧ જૂન ૨૦૨૧થી પોઝિટિવ પે કન્ફર્મેશન ફરજિયાત કર્યું છે. બેંક ઓફ બરોડાનું કહેવું છે કે તેના ગ્રાહકોએ પોઝિટિવ પે સિસ્ટમ મુજબ ચેક ડિટેલ્સને ત્યારે જ રિકન્ફર્મ કરવાની રહેશે જ્યારે તેઓ ૨ લાખ અથવા તેનાથી વધુ રકમનો બેન્ક ચેક જારી કરશે. કોઈ પણ પોઝિટિવ પે સિસ્ટમ હેઠળ ચેક જારી કરશે તો તેણે તેની બેંકને સંપૂર્ણ વિગતો આપવાની રહેશે. આ સિસ્ટમમાં ચેક જારી કરનારને એસએમએસ, ઇન્ટરનેટ બેંકિંગ, એટીએમ અથવા મોબાઇલ બેંકિંગ દ્વારા ઈલેક્ટ્રોનિકલી ચેકની ડેટ, બેનેફિશિયરીનું નામ, એકાઉન્ટ નંબર, કુલ રકમ, ટ્રાન્ઝેક્શન કોડ અને ચેક નંબરની માહિતીની પુષ્ટિ કરવી પડશે.
ચેક પેમેન્ટ પહેલાં બેંક આ વિગતોને ક્રોસ-ચેક કરશે. જો તેમાં કોઈ વિસંગતતા જોવા મળે છે, તો બેંક ચેકને રિજેક્ટ કરી દેશે.
ઈનકમ ટેક્સ ૭ જૂનના રોજ કરદાતાઓ માટે નવું ઇ-ફાઇલિંગ વેબ પોર્ટલ રજૂ કરવાની તૈયારી કરી રહ્યું છે. તેનો ઉપયોગ આઈટીઆર ફાઇલ કરવા અને અન્ય કર સંબંધિત કાર્યો માટે થઈ શકશે. નવું પોર્ટલ વધુ અનુકૂળ રહેશે. નવા પોર્ટલના લોન્ચિંગને ધ્યાનમાં રાખીને હાલના ઈનકમ ટેક્સ ઇ-ફાઇલિંગ પોર્ટલ ૧ જૂનથી ૬ જૂન સુધી બંધ રહેશે.
કેન્દ્ર સરકારે વિમાનની ભાડાની મર્યાદા ૧૩થી ૧૬ ટકા વધારી દીધી છે. મુસાફરોના ભાડામાં આ વધારો ૧ જૂનથી અમલમાં આવશે. મંત્રાલયે એક આદેશમાં કહ્યું છે કે, ભાડાની ઉપલી મર્યાદામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. ૪૦ મિનિટ સુધીની ફ્લાઈટ્સ માટે ભાડાની મર્યાદા ૨૩૦૦ રૂપિયાથી વધારીને ૨૬૦૦ કરવામાં આવી છે. તેવી જ રીતે, ૪૦ મિનિટથી ૬૦ મિનિટની ફ્લાઇટ અવધિ માટે ભાડાની મર્યાદા હવે રૂ. ૨૯૦૦ ને બદલે ૩૩૦૦ રૂપિયા પ્રતિવ્યક્તિ હશે.
યૂટ્યૂબ તેના પ્લેટફોર્મને લઈને એક મોટી જાહેરાત કરી છે. ૧ જૂનથી યુઝર્સે યુટ્યુબ પ્લેટફોર્મ પરથી થતી કમાણી પર ટેક્સ ભરવો પડશે. જો કે, એવા અહેવાલો છે કે અમેરિકન કન્ટેન્ટ ક્રિયેટર્સ ટેક્સ હેઠળ નહીં આવે. આ નિયમ ભારત સહિત અન્ય દેશો માટે છે. યુઝર્સે ફક્ત અમેરિકન દર્શકો તરફથી પ્રાપ્ત થયેલા વ્યૂઝ માટે જ ટેક્સ ચૂકવવો પડશે. ટેક્સ દર મહિને ૨૪ ટકા રહેશે. ૧ જૂનથી ગૂગલની ફોટો ગેલેરી ગૂગલ ફોટોઝની અનલિમિટેડ સ્ટોરેજ સુવિધા સમાપ્ત થઈ રહી છે. હવે યુઝર્સે જીમેલ એકાઉન્ટ સાથે ઉપલબ્ધ ૧૫ જીબી સ્ટોરેજ કરતા વધુ સ્ટોરેજનો ઉપયોગ કરવા માટે ચાર્જ ચૂકવવો પડશે. ગૂગલ અનુસાર દરેક જીમેલ યુઝરને ૧૫ જીબી સ્પેસ આપવામાં આવશે. આ સ્પેસમાં જીમેલના ઇમેઇલ્સ અને ફોટા બંને શામેલ હશે. તેમાં ગૂગલ ડ્રાઇવ પણ શામેલ છે જ્યાં તમે બેકઅપ લો છો.