(સંપૂર્ણ સમાચાર સેવા) લોર્ડ્સ,તા.૨
ઈંગ્લેન્ડના દિગ્ગજ ઝડપી બોલર જેમ્સ એન્ડરસન ન્યૂઝીલેન્ડ અને પછી ભારત સામે થનારી ટેસ્ટ સિરીઝમાં અનેક રેકોર્ડ પોતાના નામે કરી શકે છે.
૩૯ વર્ષનો એન્ડરસન ૧૬૦ ટેસ્ટ મેચમાં ૬૧૪ વિકેટ ઝડપી ચૂક્યો છે. તે ક્રિકેટ ઈતિહાસનો સર્વશ્રેષ્ઠ ઝડપી બોલર છે. એન્ડરસનના નિશાના પર મહાન ક્રિકેટર સચિન તેંડુલકર અને દિગ્ગજ બોલર અનિલ કુંબલેનો રેકોર્ડ છે. એન્ડરસને દેશમાં ૮૯ ટેસ્ટ મેચ રમી છે. અને ન્યૂઝીલેન્ડ સામે બે ટેસ્ટ અને ભારત સામે થનારી પાંચ ટેસ્ટ મેચની સિરીઝ પછી તે આંકડો ૯૬ સુધી પહોંચી જશે. આ રીતે તે સચિનનો ૯૪ ટેસ્ટ મેચનો રેકોર્ડ તોડી નાંખશે.
દેશમાં સૌથી વધારે ટેસ્ટ મેચ રમનારા ખેલાડીઓમાં સચિન તેંડુલકર પછી રિકી પોન્ટિંગ ૯૨ ટેસ્ટ મેચ, જેમ્સ એન્ડરસન ૮૯ ટેસ્ટ મેચ, ઈંગ્લેન્ડનો એલિસ્ટર કૂક અને ઓસ્ટ્રેલિયાનો સ્ટીવ વો ૮૯ મેચનો નંબર આવે છે. સચિન તેંડુલકરે ૨૦૦ ટેસ્ટ મેચ રમી છે. જેમાંથી ૯૪ ટેસ્ટ મેચ ભારતમાં રમી છે. એન્ડરસન આ દરમિયાન એલિસ્ટર કૂકના બે રેકોર્ડને પોતાના નામે કરી શકે છે. તેમાં ઈંગ્લેન્ડ તરફથી સૌથી વધારે ટેસ્ટ મેત રમવાનો એલિસ્ટર કૂકનો ૧૬૧ મેચનો રેકોર્ડ પણ છે.
તે સૌથી વધારે ટેસ્ટ મેચ રમનારા ખેલાડીઓની યાદીમાં શિવનારાયણ ચંદ્રપોલ ૧૬૪ ટેસ્ટ મેચ, રાહુલ દ્વવિડ ૧૬૪ ટેસ્ટ મેચ અને જેક્સ કાલિસ ૧૬૬ ટેસ્ટ મેચને પાછળ છોડી શકે છે. એન્ડરસન આ દરમિયાન દેશમાં ૪૦૦ ટેસ્ટ વિકેટ લેનારો દુનિયાનો બીજો બોલર બની શકે છે. તેનાથી તે ૧૬ વિકેટ દૂર છે. તેણે અત્યાર સુધી ૮૯ ટેસ્ટ મેચમાં ૩૮૪ વિકેટ ઝડપી છે. શ્રીલંકાના મુથૈયા મુરલીધરને ૭૯ મેચમાં ૪૯૩ વિકેટ ઝડપી હતી. તો અનિલ કુંબલેએ ૬૩ મેચમાં ૩૫૦ વિકેટ અને સ્ટુઅર્ટ બ્રોડે ૮૨ મેચમાં ૩૩૪ વિકેટ ઝડપી છે. એન્ડરસન આગામી ટેસ્ટ મેચમાં ૬ વિકેટ ઝડપશે એટલે તે કુંબલેથી આગળ નીકળી જશે. કુંબલેના નામે ટેસ્ટમાં ૬૧૯ વિકેટ છે.