(સં. સ. સે.) નવી દિલ્હી, તા. ૨
ભારતમાં કોરોનાની બીજી લહેરનુ જોર ઓસરી રહ્યુ છે પણ ત્રીજી લહેરને રોકવા માટે ઝડપી રસીકરણ એટલુ જ જરુરી બન્યુ છે.
આ માટે ઘરઆંગણે વેક્સીન બનાવતી કંપનીઓનુ ઉત્પાદન વધે તે જરુરી છે અને સાથે સાથે વિદેશી કંપનીઓની રસીને પણ ભારતના બજારમાં છૂટ આપવા માટે સરકાર કાર્યવાહી કરી છે. આ સંદર્ભમાં ભારતના ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાએ એક મહત્વનો નિર્ણય લીધો છે. કંપનીએ હવે મોડર્ના અને ફાઈઝર જેવી વિદેશી કંપનીઓની વેક્સીન ઝડપથી ભારતીય માર્કેટમાં આવી શકે તે માટે તેમને ભારતમાં ટ્રાયલ લેવામાંથી મુક્તિ આપી છે.
બીજા શબ્દોમાં કહીએ તો જે વેક્સીનને અમેરિકામાં અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન ઈમજરન્સી યુઝ માટે મંજૂરી આપી છે તેમણે ભારતમાં અલગથી દર્દીઓ પર ટ્રાયલની કાર્યવાહી કરવી નહીં પડે.અત્યાર સુધી ભારત સરકારની શરત પ્રમાણે કોઈ પણ વિદેશી કંપનીએ ભારતમાં જો પોતાની રસીને માર્કેટમાં મુકવી હોય તો સીમિત સંખ્યામાં પણ ભારતીય વોલિએન્ટિયર્સ પર તેની મેડિકલ ટ્રાયલ જરુરી હતી.
જેથી ભારતમાં રસી અકસીર છે કે નહીં તે જાણી શકાય. જોકે આ નિયમમાંથી વિદેશી કંપનીઓને મુક્તિ આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, મોડર્ના અ્ને ફાઈઝર કંપનીઓએ ભારતમાં ટ્રાયલમાંથી મુક્તિ માંગી હતી પણ આ બાબતે અત્યાર સુધી ભારત સરકારે કોઈ નિર્ણય લીધો નહોતો.હવે આ કંપનીઓને રાહત આપવામાં આવી છે.
ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાનુ કહેવુ છે કે, જે રસીનો ઉપયોગ પહેલા જ લાખો લોકો પર થઈ ચુકયો છે તેને ટ્રાયલમાંથી છુટ આપવામાં આવી છે. જોકે આવી રસી જે પહેલા ૧૦૦ લોકોને મુકવામાં આવશે તેમના પર સુરક્ષાના કારણોસર સાત દિવસ સુધીનજર રાખવામાં આવશે.
સરકાર પહેલા પણ દાવો કરી ચુકી છે કે, જુલાઈ ઓગસ્ટ સુધીમાં રોજ એક કરોડ લોકોને વેક્સીન મુકવાનુ લક્ષ્ય છે અને ડિસેમ્બર સુધીમાં પુખ્ત વયના તમામ લોકોને વેક્સીન મુકવાનુ લક્ષ્ય પૂરૂ કરવામાં આવશે. જોકે આ લક્ષ્ય સામે સૌથી મોટુ વિઘ્ન રસીના સપ્લાયનુ છે અને હવે સરકારે તેના કારણે જ વિદેશી કંપનીઓ માટેના નિયંત્રણો હળવા કર્યા છે.
એપ્રિલ અને મે મહિનામાં ૨.૨૭ કરોડ લોકોએ નોકરી ગુમાવી છે અને જેમની નોકરી ગઈ છે તેમને નવી નોકરી મેળવવામાં તકલીફ પડી રહી છે. કારણકે અનઓર્ગેનાઈઝડ સેક્ટર કરતા ઓર્ગેનાઈઝડ સેક્ટરમાં સારી નોકરીઓની તકો ઉભી થવામાં સમય લાગતો હોય છે.