જુલાઈ-ઑગસ્ટથી દેશમાં દૈનિક એક કરોડ લોકોનું રસીકરણઃ કેન્દ્ર

418

(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૨
આ વર્ષની જુલાઈના અંત કે ઑગસ્ટના આરંભથી દેશમાં દૈનિક એક કરોડ લોકોનું રસીકરણ કરી શકાય તેટલી વૅક્સિન ઉપલબ્ધ બનશે, એમ કેન્દ્ર સરકારે મંગળવારે કહ્યું હતું. આગામી સૂચના ન મળે ત્યાં સુધી એક જ વ્યક્તિને જુદી જુદી બે વૅક્સિન આપવી નિયમ વિરુદ્ધ છે એટલે અત્યારે એ પ્રક્રિયામાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો. પ્રથમ ડૉઝમાં કોવિશિલ્ડ કે કૉવૅક્સિન લેનારને બીજો ડૉઝ પણ અનુક્રમે એ મુજબ જ આપવામાં આવશે.
રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પાસે હજુ પણ વૅક્સિનના ૧.૫૭ કરોડ કરતા પણ વધુ (૧,૫૭,૭૪,૩૩૧) ડૉઝ ઉપલબ્ધ છે, એમ કેન્દ્રના આરોગ્ય ખાતાએ મંગળવારે કહ્યું હતું. કેન્દ્ર સરકારે અત્યાર સુધીમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને વૅક્સિનના ૨૩ કરોડ કરતા પણ વધુ ડૉઝ મફત પૂરા પાડ્યા હોવાનું તેમણે કહ્યું હતું. વૅક્સિનના બગાડ સહિત એમાંથી અત્યાર સુધીમાં ૨૧,૫૧,૪૮,૬૫૯ ડૉઝ વાપરવામાં આવ્યા છે.
દરમિયાન કોરોનાની સારવાર માટેની દવાઓની માગ અને પુરવઠો સમતોલ હોવાનું કેન્દ્રના પ્રધાન ડી. વી. સદાનંદ ગોવડાએ કહ્યું હતું. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો તથા કેન્દ્રીય સંસ્થાઓને ૨૧મી એપ્રિલથી ૩૦મી મે સુધીમાં ૯૮.૮૭ લાખ રેમડેસિવિરના વાયલ આપવામાં આવ્યા છે. દવાઓનું ઉત્પાદન માગણી કરતા દસ ગણું વધારવામાં આવ્યું હોવાથી માગ કરતા પુરવઠો વધ્યો છે.
પુરવઠો વધ્યો હોવાથી જૂનના અંત સુધીમાં અમે ૯૧ લાખ વાયલની સપ્લાય કરવા વિશે વિચારી રહ્યા છીએ. સિપ્લાએ ૨૫મી એપ્રિલથી ૩૦મી મે વચ્ચે અન્ય જરૂરી દવા ટોશિલીઝુમેબના ૪૦૦ એમજીના ૧૧૦૦૦ વાયલ અને ૮૦ એમજીના ૫૦૦૦૦ વાયલની આયાત કરી છે. સ્વાસ્થ્ય મંત્રાલયને ૮૦ એમજીના ૫૦૦૨૪ વાયલ અને ૨૦૦ એમજીના ૧૦૦૦ વાયલ દાનમાં મળ્યા હતા.
એમણે વધુમાં જણાવ્યું હતું કે રાજ્યોના ઉત્પાદકોએ મેના પહેલા સપ્તાહમાં ઉત્પાદન કરેલા ૮૧૬૫૧ વાયલ ઉપરાંત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો તથા કેન્દ્રીય સંસ્થાઓને ૧૧મી મેથી ૩૦મી મે સુધીમાં બ્લૅક ફંગસ માટેની ઍમ્ફોટેરિસીન બીના ૨૭૦૦૬૦ વાયલ આપવામાં આવ્યા હતા.
સરકાર કોવિડને લગતી દવાઓની અછત ન સર્જાય એ માટે નવા અને જૂના ઉત્પાદકો સાથે સતત સંપર્ક સાધીને પુરવઠો ન ઘટે એનું ધ્યાન રાખી રહી છે.

દરમિયાન સરકારે મંગળવારે ચેતવણી આપી હતી કે કોરોના બીમારીની હજુ સુધી બાળકોમાં ગંભીર અસર જોવા નથી મળી છતાંં તેમનામાં તેની અસર વધી રહી હોવાનું જોવા મળી રહ્યું છે.
કોરોના વાઈરસના વર્તનમાં કોઈ પરિવર્તન થયેલું જણાઈ આવે તેવી પરિસ્થિતિમાં તેને અંકુશમાં લેવા માટે આપણી પૂરી તૈયારી હોવી જોઈએ, એમ તેમણે કહ્યું હતું.

Previous articleવિદેશી કંપનીઓ ભારતમાં ટ્રાયલ વગર વેક્સિન લોન્ચ કરી શકશે
Next articleભાવનગરમાં મોડે મોડે પ્રિમોન્સૂન કામગીરીનો પ્રારંભ, ચોમાસા પહેલા સંપૂર્ણ કામગીરી પૂર્ણ થવી મુશ્કેલ