જીવ દઈશું પણ એક તસુ જમીન નહીં : ખેડૂત સંઘર્ષ સમિતિ

853
bvn942018-6.jpg

ઘોઘા તાલુકાના ૧ર ગામોના ખેડૂતોની જમીન જીપીસીએલ કંપની દ્વારા સંપાદન કરવા મુદ્દે ચાલી રહેલ સંઘર્ષ મામલે ૮ દિવસ વિતવા છતાં આ મુદ્દે કોઈ ઉકેલ આવ્યો ન હોય જે સંદર્ભે ખેડૂત સંઘર્ષ સમિતિ દ્વારા આજે આંદોલનને લઈને મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.
છેલ્લા ૮ દિવસથી સમગ્ર રાજ્ય સાથોસાથ કેન્દ્ર સરકાર પણ મીટ માંડીને બેઠી છે. એવા ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના બાડી-પડવા સહિત ૧ર ગામની જમીન રાજ્ય સરકારની જીપીસીએલ કંપની દ્વારા સંપાદન કરી ત્યાં માઈનીંગ કરી લીગ્નાઈટ કોલસો કાઢવા આતુર છે પરંતુ ખેડૂતો આ જમીનનો કબ્જો કોઈપણ ભોગે આપવા તૈયાર ન હોય જેને લઈને આઠ-આઠ દિવસથી ભારે સંઘર્ષમય સ્થિતિ અને અજંપાભરી પરિસ્થિતિનું સર્જન થયું છે. એસઆરપી ગ્રુપ ઉપરાંત ૧પ૦૦થી વધુ પોલીસ જવાનો ર૪ કલાક ફરજ પર તૈનાત છે. આ સ્થળ પર ૮ દિવસના સમયમાં ર વાર પોલીસ તથા ખેડૂતો વચ્ચે સીધુ ઘર્ષણ પણ થયું છે. જેને લઈને જિલ્લા પોલીસ તથા વહિવટી તંત્ર દ્વારા અલગ અલગ ૩થી વધુ જાહેરનામાઓ પણ પ્રસિધ્ધ કર્યા છે. જેમાં કલમ ૧૪૪ની જોગવાઈ પણ કરવામાં આવી છે. જે અન્વયે આ સ્થળો પર ૪થી વધુ લોકોને એકઠા થવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
સમગ્ર મુદ્દાને લઈને ૧ર ગામના ગ્રામજનો તથા ખેડૂત પરિવારો એક જ સુરનું નિવેદન આપી રહ્યાં છે કે સરકાર તથા કંપની જે રીતે અમારી જમીન હડપી લેવા ઈચ્છે છે તે કોઈપણ ભોગે શક્ય નહીં બને. અત્યાર સુધી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ચલાવ્યું છે અને ચલાવતા રહીશું પરંતુ સરકાર ગોરા અંગ્રેજ જેવું વર્તન યથાવત રાખશે તો ખેડૂત સંઘર્ષ સમિતિનો પ્રત્યેક સભ્ય (આંદોલનકારી) ક્રાંતિકારી બનતા બિલકુલ વિલંબ નહીં કરે. અમારી માંગ બિલકુલ વ્યાજબી છે અને રાષ્ટ્રની સર્વોચ્ચ અદાલત પણ ખેડૂતોની તરફેણમાં છે છતાં સંવેદનાહિન અને નિષ્ઠુર સરકાર તથા તેનું તંત્ર ગરીબ ખેડૂતો સામે સત્તાનું વરવું પ્રદર્શનકારી અમાનવિય અત્યાચારો ગુજારી રહ્યાં છે. અમારી સાથે અનેક સ્વયંસેવી સંસ્થાઓ તથા આમ આદમીનો પૂર્ણ સહયોગ છે જેની મદદ વડે ન્યાયની અહિંસક લડાઈ છેલ્લા શ્વાસો સુધી લડીશું. ન્યાય અને હક્કની લડાઈ માટે ખેડૂત પરિવારોએ પોતાના માસુમ બાળકોને પણ જોડ્યા છે. આ પરિવારોએ ૧ર ગામમાં આવેલ શાળામાં અભ્યાસરત બાળકોને શાળાએ મોકલવાનું બંધ કર્યુ છે. માત્ર એટલું જ નહીં રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં યોજવામાં આવેલ ગુણોત્સવના કાર્યક્રમનો પણ બહિષ્કાર કરવામાં આવ્યો હતો. આ ઉત્સવ સમયે રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ભાવનગર આવ્યા હતા. જેમના સુધી ડીઈઓએ ૧ર ગામનો રીપોર્ટ સોંપી પરિસ્થિતિથી વાકેફ કર્યા હતા.
આ ઉપરાંત હાલ સરકારી-ખાનગી શાળાઓમાં વાર્ષિક પરિક્ષા પણ યોજાઈ રહી છે. આ પરીક્ષાનો પણ બહિષ્કાર કરવામાં આવ્યો છે. આગામી સમયમાં આંદોલનના ભાગરૂપે તમામ પ્રકારની સરકારી સેવાઓ તથા જોગવાઈનો બહિષ્કાર કરી સરકાર સામે વિરોધ પ્રદર્શનનો નિર્ણય ખેડૂત સંઘર્ષ સમિતિ દ્વારા કરવામાં આવ્યો છે. છેલ્લા ૮ દિવસથી સેંકડો લોકો પોતાના ધંધા-રોજગારો બંધ રાખી પોતાની જમીનો બચાવવા માટે દિવસ-રાત એક કરી રહ્યાં છે. લોકો પણ ઈચ્છે જ છે કે સમગ્ર વિવાદનો શાંતિપૂર્ણ રીતે ઉકેલ આવે પરંતુ સરકાર કંપની કે તંત્ર એ માટે પહેલ નથી કરી રહ્યાં. 

ખેડૂત સંઘર્ષ સમિતિ દ્વારા કલેક્ટરને રજૂઆત
ખેડૂત સંઘર્ષ સમિતિ દ્વારા આજરોજ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મોટીસંખ્યામાં એકઠા થશે અને પોતાની જમીન બચાવવા માટે અહિંસક આંદોલન માટે નિયત જગ્યા ફાળવવા માંગ કરશે કારણ કે ઘોઘાના ૧ર ગામોમાં ધારા ૧૪૪ લાગુ કરવા સાથોસાથ સભા, સરઘસ, રેલી સહિતના કાર્યક્રમો યોજવા તથા ૪થી વધુ લોકોને એકઠા થવા પર પ્રતિબંધ જાહેર કર્યો છે. આથી આંદોલન અર્થે સ્થળ આપવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવનાર હોવાનું ખેડૂત સંઘર્ષ સમિતિ દ્વારા જણાવ્યું છે.

Previous articleજાળીયા ગામની સીમમાંથી યુવાનની શંકાસ્પદ લાશ મળી
Next articleગુસ્તાખી માફ