(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૪
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કાઉન્સિલ ઓફ સાયન્ટીફિક એન્ડ ઈન્ડસ્ટ્રીયલ રિસર્ચ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા એક બેઠક સંબોધી હતી. આ બેઠકમાં પીએમ મોદીએ મેડ-ઈન-ઈન્ડિયા વેક્સિન વિકસાવવા બદલ દેશના વિજ્ઞાનીઓની કામગીરીને બિરદાવી હતી. કોરોના મહામારીના સમયમાં કરાયેલી કામગીરી તેમજ એક જ વર્ષમાં રસી તૈયાર કરવા બદલ પીએમએ દેશના સાયન્ટિસ્ટ્સની પ્રશંસા કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે ભારત હાલમાં દરેક ક્ષેત્રે આત્મનિર્ભર અને સશક્ત બનવાની ઈચ્છા રાખે છે.
અગાઉ વિદેશમાં કોઈ નવી શોધ થતી તો ભારતમાં તેના અમલ માટે વર્ષો વિતી જતા હતા. પરંતુ હવે આ સંસ્થાના વિજ્ઞાનીઓ વિદેશના તજજ્ઞો સાથે ખભેથી ખભો મિલાવીને ચાલી રહ્યા છે. દેશમાં પણ એજ ગતિથી કામગીરી થઈ રહી છે.
વિશ્વ હાલમાં સૌથી મોટા પડકારનો સામનો કરી રહ્યું છે ત્યારે આજે દેશના વિજ્ઞાનીઓએ એક વર્ષમાં રસી શોધીને સાબિત કરી દીધું છે કે જ્યારે પણ કોઈ સંકટ આવે છે ત્યારે વિજ્ઞાનની મદદથી વધુ ઉત્કૃષ્ટ ભવિષ્યનો રસ્તો મળે છે.
આ પ્રસંગે પીએમ મોદીએ આત્મનિર્ભર અને વધુ સશક્ત ભારતનું નિર્માણ કરવા પર ભાર આપ્યો હતો. કોરોના મહામારીનું જોર ભલે ઘટ્યું હોય પરંતુ આપણું મનોબળ પહેલા જેવું જ છે. ભારત કૃષિથી લઈને અવકાશ ક્ષેત્ર સુધી, ડિઝાસ્ટર મેનેજમેન્ટથી સંરક્ષણ ટેક્નોલોજી સુધી, વેક્સિનથી વર્ચ્યુઅલ રિયાલિટી અને બાયોટેક્નોલોજીથી બેટરી ટેક્નોલોજી સુધી આત્મ નિર્ભર અને સશક્ત બનવા ઈચ્છે છે.
ભારત આજના સમયમાં સસ્ટનેબલ ટેક્નોલોજી અને સ્વચ્છ ઉર્જાના ક્ષેત્રે વિશ્વનું માર્ગદર્શન કરી રહ્યું છે અને સોફ્ટવેર તેમજ સેટેલાઈટ ડેવલપમેન્ટમાં દેશની ભૂમિકા અન્ય દેશો માટે મહત્વની બની રહી છે.
સીએસઆઇઆરની બેઠકને સંબોધતા પીએમ મોદીએ ભવિષ્યના પડકારોને લઈને દુનિયાને ચેતવી અને કહ્યું કે આવનારા સમયમાં ક્લાઈમેટ ચેન્જ સૌથી મોટો પડકાર બનશે. આપણે અત્યારથી તેના માટે તૈયારી કરવી પડશે.
કોરોના વાયરસ વૈશ્વિક મહામારી સમગ્ર દુનિયા સામે આ સદીનો સૌથી મોટો પડકાર બનીને આવી છે પરંતુ ઈતિહાસ એ વાતનો સાક્ષી છે કે જ્યારે જ્યારે માનવતા પર કોઈ મોટું સંકટ આવ્યું છે ત્યારે વિજ્ઞાને વધુ સારા ભવિષ્ય માટે રસ્તા તૈયાર કરી દીધા છે.